સુરતમાં ભારે પવન સાથે વાદળો છવાયા, તો ક્યાંક છાંટા પડ્યા
છેલ્લાં ૩ દિવસથી ભારે પવન ફૂંકાતાં શહેરના અનેક વિસ્તારોમાં વારંવાર પાવર કાપનો પ્રશ્ન શરૂ થયો છે. ખાસ કરીને ભીમરાડ સહિતના વિસ્તારોમાં વીજળી આવ-જા કરતી રહી હતી. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
જો કે, કોઈ નુકસાન થયાની માહિતી સાંપડી નથી.સુરતમાં છેલ્લા ત્રણેક દિવસથી ભારે પવનો ફૂંકાઇ રહ્યા છે. પણ પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે જ વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો પણ છવાયા છે. આવતીકાલે ૨૫ મે બાદ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટીવીટી શરૂ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
શહેરના અલથાણ, વેસુ, વીઆઇપી રોડ વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટાં પડ્યાં હતાં. કાળાડિંબાગ વાદળો છવાતાં વરસાદ પડે તેવો માહોલ સર્જાયો છે. શહેરમાં ભારે પવનો ફૂંકાવાના કારણે બે દિવસમાં ૧૦થી વધુ ઝાડ પડી ગયા છે. કતારગામ નંદુદોશીની વાડી, નવી સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ઓફિસ પાસે અને ઘોડદોડ રોડ જોગર્સ પાર્ક પાસે ઝાડ પડવાના કોલ મળ્યા હતા. કતારગામ,સરથાણા, વરાછા, અલથાણ, અડાજણ, ચોક, રાંદેર સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા અને ઝાપટાં પડ્યાં હતાં.