બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી વાતાવરણમાં પલટો

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે રાતે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. પાલનપુર અમીરગઢ ઇકબાલગઢ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના ખેતરોમાં ઉભેલા રવિપાકોને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ સતાવી રહી છે. નોંધનીય છે કે જિલ્લામાં સતત ત્રીજી વખત કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

જો કે આ માવઠા જેવા વાતાવરણને લઈને બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું કે માવઠા જેવું વાતાવરણ હોવાના કારણે શાકભાજી, જીરૂ, ધાણા, ઘઉં તેમજ રાયડાના પાકમાં અત્યારે પિયત આપવાનું મુલતવી રાખવુ.

વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા રાખવી, કાપણી કરેલ પાક ભીંજાય નહી તે માટે કાપણી કરેલ પાકને સુરક્ષિત જગ્યાએ રાખવો, ફુગજન્ય રોગના લક્ષણો જણાય તો ફુગનાશક દવાનો કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ છંટકાવ કરવો તેમણે વધુમાં જણાવ્યું હતું કે દિવેલા પાકમાં ઇયળનો ઉપદ્રવ જોવા મળે તો ઉભા પાકમાં એકલ દોકલ દેખાતી ઇયળ વિણાવી નાશ કરવો. તેમજ છોડ દીઠ ચાર ઇયળો જોવા મળે ત્યારે સ્પીનોસાદ ૩ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવા પણ જણાવ્યું હતું.હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં  સોમવારે રાતે કેટલાંક તાલુકાઓમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદી ઝાપટા પડ્યા હતા. આ માવઠાને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.