વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડ ખાતે CETP વિસ્તરણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું
વાપી: વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડ (VGEL) સંચાલિત કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP) ખાતે આજે 15 MLD ક્ષમતા ધરાવતા વિસ્તરણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ભવ્ય રીતે યોજાયું. આ પ્રોજેક્ટ વાપી GIDC ઔદ્યોગિક વિસ્તારના ઔદ્યોગિક માળખાકીય વિકાસમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે.
આ ખાતમુહૂર્ત સમારોહનું ઉદ્ઘાટન ગુજરાત સરકારના માનનીય કેબિનેટ મંત્રી કનભુાઈ દેસાઈ (નાણા, શહેરી વિકાસ અને આવાસ વિભાગ)ના હસ્તે કરવામાં આવ્યું હતું
કાર્યક્રમમાં નોટિફાઇડ એરિયા ચેરમેન યોગેશ કાટરિયા, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA)ના પ્રમુખ સતીશ પટેલ, ઉપપ્રમુખ જિન સાવલિયા, સેક્રેટરી કલ્પેશ વોરા, VIA એડવાઇઝરી બોર્ડના સભ્યો, ભૂતપૂર્વ પ્રમુખો, VGELના ડિરેક્ટર્સ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના અધિકારીઓ તેમજ VGELના CEO અને અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
CETP વિસ્તરણ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 47 કરોડ છે અને તેનો નિર્માણ કાર્ય આગામી 12 મહિનામાં પૂર્ણ કરવાની યોજના છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વાપીના ઉદ્યોગોને તેમની ઉત્પાદન ક્ષમતા વધારવામાં તથા નવા ઉત્પાદનો ઉમેરવામાં નોંધપાત્ર લાભ મળશે.
આ પ્રોજેક્ટ આત્મનિર્ભર ભારત અભિયાનને વધુ મજબૂતી આપશે તેમજ દેશના GDPમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરના યોગદાનમાં વધારો કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેમ આયોજકો દ્વારા જણાવાયું હતું










