કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત હસ્તે સિદ્ધપુર ખાતેથી GSRTCની ત્રણ નવી બસોને ફ્લેગ ઑફ આપી રવાના કરાઈ
સિદ્ધપુરથી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા ત્રણ નવી બસોનું કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ફ્લેગ ઑફ કરીને લોકાર્પણ કરવામાં આવ્યું.
સિદ્ધપુરથી માતાનોમઢ, ભુજ અને સંતરામપુર સુધીના પહેલાંથી ચાલી રહેલા રૂટ પર હવે નવી અને આધુનિક બસો ચાલશે, જેના કારણે મુસાફરોને વધુ આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ મળશે. ખાસ કરીને જે મુસાફરો રોજિંદા ધંધા-રોજગાર, અભ્યાસ કે દર્શનાર્થે આ શહેરો તરફ જવા ઈચ્છે છે, તેમના માટે આ નવી બસો વધુ ઉપયોગી સાબિત થશે.
આ નવી બસો સાથે હવે મુસાફરી વધુ આરામદાયક, સમય બચાવનારી અને ભરોસાપાત્ર બનશે. ગામડાં અને નાનાં શહેરોના લોકોને મોટા શહેરો સાથે જોડતી આ સેવા પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓ તથા વેપારીઓ માટે વધુ સરળતા લાવશે. માતાનોમઢ જેવા ધાર્મિક સ્થળો, ભુજ જેવા પ્રવાસન કેન્દ્રો અને સંતરામપુર જેવા વ્યાવસાયિક સ્થળો સુધી હવે વધુ સજ્જ બસોમાં મુસાફરી કરી શકાશે.
આ પ્રસંગે રમેશભાઈ સિંધવ, લવિંગજી ઠાકોર, નંદાજી ઠાકોર, હેતલબેન ઠાકોર, અશોકભાઈ ચૌધરી, અનિતાબેન પટેલ, જિલ્લાના હોદ્દેદારો, શહેર અને તાલુકાના આગેવાનો, એસ.ટી. નિગમના અધિકારીઓ, નગરપાલિકાના કોર્પોરેટરો, તાલુકાના સદસ્યો, વરિષ્ઠ આગેવાનો તથા અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.










