જીસીસીઆઇ દ્વારા વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઇ

રક્તદાન મહાદાન છે. રક્તદાન વિશે જાગૃતતા ફેલાવવા અને રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવા માટે વર્ષ 2007થી 14 જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડ્સ્ટ્રી દ્વારા 14 જૂનના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ.

હાલ ચાલી રહેલી કોરોના મહામારી અને રસીકરણ અભિયાનના પગલે લોહીની અછત વર્તાઇ રહી છે. ખાસ કરી થેલેસેમિયાગ્રસ્ત બાળકોને લોહીની જરૂરિયાત રહેતી હોય છે, ત્યારે આ અછતની પૂર્તિ માટે આશ્રમ રોડ ખાતે આવેલી જીસીસીઆઈની બિલ્ડીંગમાં શ્રી અંબિકા મિલ્સ ખાતે સવારે 10 કલાકથી સાંજે 4 કલાક સુધી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતુ. જીસીસીઆઇની બિઝનેસ વુમેન વિંગ કમિટીના સભ્યો પણ મોટી સંખ્યામાં રક્તદાન કરવા માટે આગળ આવ્યા હતા. જીસીસીઆઇ દ્વારા આયોજિત રક્તદાન શિબિરને સફળ બનાવવા માટે જીસીસીઆઈ દ્વારા હાલની સ્થિતિમાં કોણ રક્તદાન કરી શકે છે તે વિશે વ્યાપક સ્તર પર જાગૃતતા ફેલાવવામાં આવી હતી.

આ તકે જીસીસીઆઇની પ્રેસિડેન્ટ નટુભાઈ પટેલ, સિનીયર વાઇસ પ્રેસિડેન્ટ હેમંત એન. શાહ, વાઇસ પ્રેસિડેન્ટ કે.આઇ. પટેલ, સેક્રેટરી પથિક એસ. પટવારી, વી.પી. વૈષ્ણવ, ટ્રેઝરર સચિન કે. પટેલ સહિત મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

ઉલ્લેખનીય છે કે એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે આશરે 5 કરોડ બોટલ લોહીની જરૂરિયાત ઊભી થાય છે જે દિવસે દિવસે વધી રહી છે પરંતુ તેની સામે માત્ર 80 લાખ બોટલ લોહી રક્ત-દાતાઓ દ્વારા મળી રહે છે. આ પરથી કહી શકાય કે આપણા ભારત દેશમાં લોહીની ખૂબ જ અછત છે અને રક્તદાનની જાગૃત્તતા ફેલાવવાની તાતી જરૂરિયાત છે. લોહીનો બીજો કોઈ જ વિકલ્પ ન હોવાથી આપણું લોહી એ બીજા કોઈ માટે જિંદગી બની જાય છે.