યુએઈમાં પુરાતત્વવિદોને ૮૫૦૦ વર્ષ જૂની ઈમારતો મળી

સંયુક્ત આરબ અમીરાતમાં પુરાતત્વવિદોએ દેશની સૌથી જૂની ઇમારતો શોધી કાઢી છે. આ ઇમારતો ઓછામાં ઓછી ૮,૫૦૦ વર્ષ જૂની છે. અબુ ધાબીના સંસ્કૃતિ અને પર્યટન વિભાગે જણાવ્યું હતું કે, તે અગાઉ માનવામાં આવતી સૌથી જૂની ઇમારત કરતાં ૫૦૦ વર્ષ જૂની છે. આ ઇમારતો વિભાગ દ્વારા ચલાવવામાં આવેલા પુરાતત્વીય કાર્યક્રમ દરમિયાન મળી આવી હતી. આ ઈમારતો અબુ ધાબી શહેરની પશ્ચિમે ઘાઘા ટાપુ પર આવેલી છે. જે ઈમારતો શોધી કાઢવામાં આવી છે તે સામાન્ય રાઉન્ડ રૂમ જેવી જ રચના ધરાવે છે. આ રૂમની દિવાલો પથ્થરોથી બનેલી છે, જેની ઊંચાઈ લગભગ એક મીટર છે અને તે હજુ પણ સુરક્ષિત છે.

ઇમારતોની શોધ કરનાર ટીમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ઇમારતો નાના સમુદાયના ઘરો હોઈ શકે છે, જે આખું વર્ષ ટાપુ પર રહેતા હશે. તેમણે કહ્યું કે, આ શોધ નિયોલિથિક વસાહતોનું અસ્તિત્વ દર્શાવે છે જે લાંબા-અંતરના દરિયાઈ વેપાર માર્ગો વિકસિત થયા પહેલા અસ્તિત્વમાં હતી. આ પણ દર્શાવે છે કે વસાહતોના સમાધાન માટે કોઈ નક્કર કારણ નહોતું. આ શોધ દરમિયાન સેંકડો કલાકૃતિઓ પણ મળી આવી છે. અહીં ઝીણવટથી બનાવેલા પથ્થરના તીરો પણ છે, જેનો ઉપયોગ શિકાર માટે કરવામાં આવ્યો હશે. ટીમે કહ્યું કે એવી સંભાવના છે કે, અહીં રહેતા લોકોએ સમુદ્રના સમૃદ્ધ સંસાધનોનો પણ ઉપયોગ કર્યો હશે.

જો કે, પુરાતત્વવિદો હજુ પણ અનિશ્ચિત છે કે આ સ્થળનો ઉપયોગ કેટલા સમયથી થયો હશે. વાસ્તવમાં અહીં એક દટાયેલો મૃતદેહ મળી આવ્યો છે, જે લગભગ ૫૦૦૦ વર્ષ જૂનો છે. તે સમય દરમિયાન અબુ ધાબીમાં દફનાવવામાં આવેલા કેટલાક મૃતદેહોમાંથી તે એક હોઈ શકે છે.

વિભાગના અધ્યક્ષ મોહમ્મદ અલ મુબારકે જણાવ્યું હતું કે, ઘાઘા ટાપુ પરની શોધ દર્શાવે છે કે ઈનોવેશન, સ્થિરતા અને સ્થિતિસ્થાપકતાની લાક્ષણિકતાઓ હજારો વર્ષોથી પ્રદેશના રહેવાસીઓના ડીએનએનો ભાગ છે. યુનાઈટેડ આરબ અમીરાતમાં સૌથી જૂની જાણીતી ઈમારતો માટેનો અગાઉનો રેકોર્ડ અબુ ધાબીના દરિયાકિનારે મારવા ટાપુ પર શોધાયેલ માળખામાં જોવા મળ્યો હતો. અહીં ૨૦૧૭માં વિશ્વનું સૌથી જૂનું મોતી મળ્યું હતું. ટીમે કહ્યું કે, નવી શોધ સૂચવે છે કે અબુ ધાબીના ટાપુઓ શુષ્ક અને દુર્ગમ હોવાની જગ્યાએ ફળદ્રુપ હતા. જેના કારણે અહીં લોકોએ વસાહતો જમાવી હતી.