કેદારનાથ મંદિર નજીક ભયંકર હિમસ્ખલન જેણે પણ જોયું તે દહેશતમાં આવી ગયા

તમારી આંખો સામે જ કોઈ પહાડ તૂટી પડે તો તે કેટલું ભયાનક હોઈ શકે એ વાતનો અંદાજો કેદારનાથ પહોંચેલા મુસાફરોનો આજે સવારે થયો. કેદારનાથ ધામની પાછળ પહાડોમાં ભયંકર હિમસ્ખલન થયું જેને જેણે પણ જોયું તે દહેશતમાં આવી ગયા. આ ઘટનાનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.  ઉત્તરાખંડના કેદારનાથમાં આજે સવારે ભયંકર હિમસ્ખલનની ઘટના ઘટી. કેદારનાથ પહોંચેલા ભક્તોમાંથી જેણે પણ બરફના પહાડને આ રીતે પડતા જોયો તેમને જાણે સાક્ષાત મોતનો આભાસ થયો. કેટલાક લોકોએ આ દ્રશ્યને કેમેરામાં પણ કેદ કરી લીધું.

શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયે જણાવ્યું કે હિમાલય ક્ષેત્રમાં હિમસ્ખલન થયું. પરંતુ કેદારનાથ મંદિરને કોઈ નુકસાન થયું નથી. એવું કહેવાય છે કે આ વિસ્તારમાં ખુબ વરસાદ પડ્યો હતો જેના કારણે શુક્રવારે આ બરફનું તોફાન આવ્યું. થોડા દિવસ પહેલા પણ આવી ઘટના ઘટી હતી. ૨૩ સપ્ટેમ્બરે કેદારનાથ મંદિરની પાછળ પહાડોમાં હિમસ્ખલન થયું હતું. ત્યારે ધામમાં હાજર શ્રદ્ધાળુઓમાં હડકંપ મચી ગયો હતો. જો કે તે સમયે કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નહતું.