જાંબુવા ગામ પાસે ખાડામાં પડી ગયેલ ૧૨ ફૂટના મગરનું રેસ્ક્યુ કરાયું

વડોદરા શહેર નજીક જાંબુવા ગામ પાસે બની રહેલા પુલના ખોદવામાં આવેલા ખાડામાં ૧૨ ફૂટનો મગર પડી જતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટ દ્વારા જેસીબીની મદદથી બહાર કાઢી વન વિભાગને સોંપ્યો હતો.

વડોદરા શહેરના વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારને વડોદરા પાસે આવેલા જાંબુવા ગામ પાસે બની રહેલા બ્રિજની કન્સ્ટ્રકશન સાઈડ પરથી કોન્ટ્રાક્ટરનો ફોન આવ્યો હતો. તેઓએ જણાવ્યું કે એક મોટો મગર અમારા કન્સ્ટ્રકશન સાઇટ બ્રિજના પાયાના ઊંડા ખાડામાં પડી ગયો છે. આ કોલ મળતાની સાથે જ સંસ્થાના કાર્યકર યુવરાજસિંહ રાજપૂત, અરુણ સૂર્યવંશી, સુવાસ પટેલ, વિશાલ રાઠોડ અને વડોદરા વન વિભાગના શૈલેષ રાવલ અને જીગ્નેશ પરમાર સ્થળ ઉપર પહોંચ્યા હતા.

આશરે ૧૨ ફૂટનો મગર બચાવ ટીમ માટે કાઢવો મુશ્કેલ જણાતા તેઓએ જેસીબીની મદદ લઈને ૮ ફૂટ ઉડા પાયા માટે ખોદાયેલા ખાડામાંથી બહાર કાઢવાની શરૂઆત કરી હતી. કાર્યકર યુવરાજસિંહે જણાવ્યું હતું કે, આઠ ફૂટ ઉડા ખાડામાં અકસ્માતે પડી ગયેલા ૧૨ ફૂટ લાબા મગરને બહાર કાઢવા માટે ચાર કલાક જેટલો સમય લાગ્યો હતો. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટીમ અને વન વિભાગની મગરને સહીસલામત ખાડામાંથી બહાર કાઢવાની કામગીરી જાેવા માટે લોકોએ ભીડ કરી હતી.

૧૨ ફૂટ લાબા મગરને આઠ ફૂટ ઊંડા ખાડામાથી બહાર કાઢી વન વિભાગને સોપવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા આ મગરને સહી સલામત રીતે વનવિભાગના અધિકારીઓની સાથે રહીને જાંબુવા નદીમાં છોડવામાં આવ્યો હતો.