હિંમતનગર પાલિકાનો વરસાદી પાણીની પાઈપલાઈનમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ

હિંમતનગરના છાપરીયા ચાર રસ્તે નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે અન્ડર ગ્રાઉન્ડ પાઈપ લાઈન મસ મોટો ખર્ચો કરી તૈયાર કરવામાં આવી છે. કારણ કે વરસાદી પાણીથી રોડ ના તૂટી જાય કે રોડ પર પાણી ના ભરાય તેને લઈને પાઈપ શહેરમાંથી પસાર થતી કેનાલમાં પાઈપ લાઈન કરી દીધી છે. જેથી વરસાદી પાણી સીધું કેનાલમાં પડી જાય અને પાણીનો નિકાલ થાય. ચોમાસું શરૂ થતાં જ પાલિકાની પોલ ખુલવા લાગી છે. શહેરમાં વિવિધ વિસ્તારમાં પાણી રોડ પર ભરાય છે અને પાલિકા દ્વારા તાત્કાલિક આવીને પાણી ખાલી કરવા માટે મથામણ કરવી પડે છે. ત્યારે સિંચાઈ ભવન પાસે હાથમતી કેનાલમાં વરસાદી પાણીના નિકાલ માટે લગાવેલી પાઈપ લાઈનમાં પાણી આવવાથી કેનાલમાં ગાબડું પડી ગયું હતું. જેને લઈને સિંચાઈ વિભાગે હાથમતીની બ ઝોનની કેનાલમાં ગાબડાનું સમારકામ કરવા માટે ૧૧ જુલાઈએ પાલિકાને નોટીસ આપી હતી. જેના જવાબમાં પાલિકાએ ૧૬ જુલાઈએ પત્ર દ્વારા સમારકામ કરી દઈશું જણાવ્યું હતું. પરંતુ હજી કોઈ કામગીરી થઇ નથી અને ગાબડું મોટું થયું છે.

હિંમતનગર નગરપાલિકાનો ભ્રષ્ટાચાર ખુલીને બહાર આવ્યો છે. પાલિકાના બાંધકામ વિભાગ દ્વારા હનુમાનજી મંદિર પાસે વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનો લાખો રૂપિયાના ખર્ચે પુશીંગ કરી કેનાલમાં નિકાલ કરવામાં આવ્યો હતો. એજન્સી દ્વારા પ્રોપર પુશીંગ સિસ્ટમની કામગીરી કરવામાં આવેલી ન હોવાના લીધે તેમજ ગુણવત્તા વિહીન કામગીરી કરવામાં આવી હતી. નગરપાલિકાની ગંભીર બેદરકારીના લીધે વરસાદી પાણીની લાઇનની પ્રોપર કામગીરી ન થવાના કારણે કેનાલના બાજુની જમીન ધસી પડી છે. લાખો રૂપિયાના ખર્ચે વરસાદના નિકાલ માટેની લાઈનો નાખનારી એજન્સી અને કન્સલ્ટિંગ એજન્સીની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ અને તેમની પાસેથી થયેલા નુકશાનના નાણાં વસૂલવા જોઈએ તેવી હિંમતનગર શહેર કોંગ્રેસની જાહેર હિતમાં માંગણી છે.હિમતનગરમાંથી પસાર થતી હાથમતી કેનાલમાંથી વરસાદી ઝાપટું આવતાં પાલિકાએ કેનાલમાં નાખેલી પાઈપ લાઈન પાણી સાથે બહાર આવતાં કામગીરીમાં ભ્રષ્ટાચાર બહાર આવ્યાના આક્ષેપ કરાયા હતા.

તો બીજી તરફ કેનાલમાં ગાબડું પડી જતાં સિંચાઈ વિભાગે પણ પાલિકાને નોટીસ આપી ગાબડું રીપેર કરવાનું જણાવ્યું હતું. તો સામે પાલિકાએ રીપેર કરાવી દઈશુંનો જવાબ આપ્યો પણ હજુ સુધી કોઈ કામગીરી ન થઇ હોવાથી ગાબડું વધુ મોટું થઇ ગયું છે. જેનાથી પાઈપ પાણી સાથે બહાર આવી ગઈ અને હાથમતી કેનાલમાં માટી ધસી પડી છે.