પ્રદૂષણ નિયંત્રણ માટે નવતર પહેલઃ અમદાવાદ એમીશન ટ્રેડિંગ લાઇવ માર્કેટ તથા વેસ્ટ ઇમ્પોર્ટ મંજૂરી માટે ઓનલાઇન મોડ્યુલનો શુભારંભ

અમદાવાદ એમીશન ટ્રેડિંગ લાઇવ માર્કેટ અને જીપીસીબીના વેસ્ટ ઇમ્પોર્ટ પરવાનગી મોડ્યુલનો વન અને પર્યાવરણ મંત્રી મૂળૂભાઈ બેરાના  હસ્તે પ્રારંભ

સમગ્ર ભારતમાં “એમિશન ટ્રેડિંગ સ્કીમ” અમલમાં મૂકનાર અમદાવાદ દેશનું બીજું શહેર બન્યું

ઔદ્યોગિક ઉત્સર્જનને નિયંત્રિત કરવામાં અને રાજ્યના પ્રદૂષણના સ્તરને ઘટાડવામાં આ મોડ્યુલ મહત્વનું પુરવાર થશે

ગાંધીનગરઃ રાજ્યમાં પ્રદૂષણ નિયંત્રણ માટે રાજ્ય સરકાર અનેકવિધ નવતર પગલાં લઈ રહી છે. જેના ભાગરૂપે વન પર્યાવરણ મંત્રી મૂળૂભાઈ બેરાએ અમદાવાદ એમીશન ટ્રેડિંગ લાઇવ માર્કેટ તથા વેસ્ટ ઇમ્પોર્ટ મંજૂરી માટે ઓનલાઇન મોડ્યુલનો શુભારંભ કર્યો હતો. સમગ્ર ભારતમાં “એમિશન ટ્રેડિંગ સ્કીમ” અમલમાં મૂકનાર અમદાવાદ દેશનું બીજું શહેર બન્યું છે. જે ઔદ્યોગિક ઉત્સર્જનને નિયંત્રિત કરવામાં અને રાજ્યના પ્રદૂષણના સ્તરને ઘટાડવામાં મદદરૂપ બનશે.

મંત્રી મુળુભાઈ બેરાએ ઉમેર્યું કે, સુરતમાં આશરે ૩૫૫ ઉદ્યોગોમાં આ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. જેમાં ETS લાગુ કરેલ ઉદ્યોગોમાં અન્ય ઉદ્યોગો કરતા ૨૦ ટકા પાર્ટીક્યુલર મેટરના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. સુરતની આ સફળતાને ધ્યાને લઇને અમદાવાદમાં આશરે ૧૧૮ ઉદ્યોગોમાં આ પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવ્યું છે.

મંત્રીએ ઉમેર્યું કે, ગુજરાત હંમેશા ઔદ્યોગિક વિકાસની સાથે પર્યાવરણ સંરક્ષણ માટે નવીનત્તમ પ્રયોગો કરવામાં અગ્રેસર રહ્યું છે. પાર્ટીક્યુલેટ મેટરના નિયમન માટે વર્ષ ૨૦૧૯માં સુરત ખાતે શરૂ કરાયેલ ETS પ્રોજેક્ટ દુનિયામાં પ્રથમ પ્રોજેક્ટ છે. જે હવે અમદાવાદ ખાતે પણ અમલમાં મુકાયો છે જેના થકી અમદાવાદની હવાની ગુણવત્તામાં પણ સુધારો થશે.

વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ સંજીવકુમારે જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રદૂષણ નિયંત્રણ માટે આ માર્કેટ આધારિત મિકેનીઝમના અમલીકરણની રાજ્ય સરકારે નવીન પહેલ કરી છે. જીપીસીબી દ્વારા J-PALના સહયોગથી શરૂ કરાયેલી આ એમીશન ટ્રેડીંગ યોજનાના પરિણામે રેગ્યુલેટર, ઉદ્યોગો તથા અમદાવાદના નાગરિકોને પણ હવાની ગુણવત્તામાં સુધારા થકી આરોગ્યલક્ષી લાભ થશે.

જી.પી.સી.બી.ના ચેરમેન આર.બી. બારડે જણાવ્યું હતું કે, ગુજરાત હંમેશા આર્થિક વિકાસની સાથે સાથે પર્યાવરણની જાળવણી વચ્ચે નવીન પહેલ કરવામાં મોખરે રહ્યું છે ત્યારે અમદાવાદમાં આ શરૂઆત એક દિશા સૂચક પગલું છે. બોર્ડ દ્વારા ઈ-ગવર્નન્સના ભાગરૂપે વેસ્ટ ઇમ્પોર્ટની મંજૂરી માટે આ ઓનલાઈન મોડ્યુલ સપ્ટેમ્બર ૨૦૨૩થી કાર્યરત થયું છે. જેનાથી વેસ્ટ ઇમ્પોર્ટની અરજીઓનો ઓનલાઈન ઝડપી નિકાલ થશે અને તેના રેકોર્ડની યોગ્ય જાળવણી પણ થશે તેમ તેમણે ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, એમીશન ટ્રેડિંગ સ્કિમ-ETS એ લિગ્નાઇટ, કોલસા આધારિત બોયલર ધરાવતા ઉદ્યોગો દ્વારા ફેલાવાતા પ્રદૂષણને નિયંત્રિત કરે છે. તેના હેઠળ નિયત કરેલ માત્રાથી ઓછું પ્રદૂષણ સર્જનારને ક્રેડિટ અને તેથી વધુ ફેલાવનારને દંડ કરવામાં આવે છે. આ પાયલોટ પ્રોજેક્ટ જીપીસીબી દ્વારા શિકાગો યુનિવર્સિટીના સંશોધનકારો અને J-PAL ટીમની મદદથી અમલમાં છે.

આ પ્રસંગે J-PAL સહિત જીપીસીબીના અધિકારીઓ, વિવિધ એસોસીએશનના પ્રતિનિધિઓ તથા ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news