સુરતમાં દોડતી કારમાં લાગી આગ અને યુવકો કારમાંથી ઉતરી જતાં સદનસીબે દુર્ઘટના ટળી
રસ્તા પર દોડતા વાહનોમાં અવારનવાર આગ લાગી જતી હોય છે. પરંતુ સુરતના ડભોલી વિસ્તારમાં બ્રિજ પરથી પસાર થતી કારમાં એકા એક આગળના બોનેટના ભાગેથી ધુમાડા નીકળવાના શરૂ થયા હતાં. જેથી કારમાં સવાર ગાડી ચાલક સહિતનાઓએ સમયસૂચકતા દાખવી હતી. કારને સૌ પ્રથમ થોભાવી દઈને બહાર દોટ લગાવે તે પહેલાં જ કાર આગની જ્વાળામાં લપેટાઈ ગઈ હતી. તમામ પાંચેય યુવકો કારમાંથી નીચે ઉતરી જતાં સદનસીબે દુર્ઘટના ટળી હતી. જો કે, કાર આગમાં ખાક થઈ ગઈ હતી. કતારગામ વિસ્તારમાં આવેલા સિંગણપુરની રાજદીપ સોસાયટીમાં રહેતા યુવક કોલેજથી ઘર તરફ પરત ફરી રહ્યાં હતાં. કોલેજ પૂર્ણ કર્યા બાદ તમામ મિત્રો ડભોલી બ્રિજ થઈને સિંગણપુર તરફ આવી રહ્યાં હતાં. આ દરમિયાન ચાલુ કારના બોનેટમાંથી ધુમાડો નીકળતો હોવાનું એકને લાગ્યું હતું. ધુમાડો જોતાની સાથે ચાલકને પણ કારમાં આગ લાગી હોવાની શંકા ગઈ હતી. જેથી તેણે કારને બ્રિજની સાઈડમાં ઉપર જ ઉભી રાખી દીધી હતી.તમામ મિત્રો કાર ઉભી રહી અને હજુ તો બહાર ઉતરે તે પહેલાં જ કારના બોનેટમાંથી નીકળતા ધુમાડાની જગ્યાએ આગની જ્વાળાઓ બહાર ફેંકાઈ રહી હતી. જેથી તમામ મિત્રો બહાર નીકળીને સલામત રીતે દૂર નીકળી ગયાં હતાં.
જો કે, બોનેટમાંથી કાર આગળ હજુ વધતી ન હોવાથી તમામ મિત્રોએ પોતાનો સામાન પણ સલામત રીતે કાઢી લીધો હતો. થેલા સહિતના ડોક્યુમેન્ટ પણ કાઢી લેવામાં સફળ રહ્યાં હતાં. કારમાં આગ લાગતાં જ યુવકોની કાર બ્રિજમાં ઉભી હતી ત્યાં વાહનો થોડીવાર માટે થંભી ગયાં હતાં. સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હોય તેવો પણ ઘાટ સર્જાયો હતો. યુવકોની કારમાં આગ લાગી તેવા સમયે બ્રિજ પરથી મોટી સંખ્યામાં વાહનચાલકો પસાર થઈ રહ્યાં હતાં. જેથી તમામ લોકોમાં ડરનો માહોલ પણ પેદા થયો હતો. કારના બોનેટમાં આગ લાગી હતી. તેની જ્વાળાઓ પણ મોટી થઈ રહી હતી. તેમ છતાં બીઆરટીએસ બસ રોડની સામે ઉભી હતી. તેમાંથી એક યુવકે ફાયર એસ્ટીન્ગ્યુશર લીધું હતું. બાદમાં તે જાતે જ આગ પર કાબૂ મેળવવા માટે ગયો હતો. જો કે, આગ વિકરાળ હોવાથી ફાયરના ટાંચા સાધનો કામમાં આવ્યાં નહોતાં.
જો કે યુવકે જોખમ ખેડીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું હતું. આગ લાગ્યા અંગની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. જેથી ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બાદમાં આગની જ્વાળાઓમાં લપેટાયેલી કાર પર પાણીનો મારો ચલાવ્યો હતો. બાદમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, કારમાં આગ ક્યા કારણોસર લાગી તે અંગે ચોક્કસ જાણકારી મળી શકી નથી.