ચીનના યુનાન પ્રાંતમાં ૫.૫ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

ચીનમાં નિયમિતપણે ભૂકંપ આવતા રહે છે, ખાસ કરીને તેના પર્વતીય પશ્ચિમી અને દક્ષિણપશ્ચિમ વિસ્તારોમાં ભૂકંપ સૌથી વધુ આવે છે. સપ્ટેમ્બરમાં સિચુઆન પ્રાંતમાં આવેલા ભૂકંપમાં ત્રણ લોકોના મોત થયા હતા અને ડઝનેક લોકો ઘાયલ થયા હતા. જ્યારે હજારો મકાનોને નુકસાન થયું હતું. વર્ષ ૨૦૦૮માં સિચુઆનમાં ૭.૯ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ૮૦,૦૦૦થી વધુ લોકોના મોત થયા હતા. આમાં હજારો બાળકોનો પણ સમાવેશ થાય છે, જેઓ નબળી ગુણવત્તાવાળી શાળાઓની ઇમારત ધરાશાયી થવાને કારણે મૃત્યુ પામ્યા હતા. પરંતુ ચીનની સરકારે મૃતકોની ચોક્કસ સંખ્યા જાહેર કરી નથી.ચીનના યુનાન પ્રાંતના દક્ષિણપશ્ચિમમાં આવેલા નિંગલોંગ કાઉન્ટીમાં રવિવારે ૫.૫ની તીવ્રતાનો ભૂકંપ આવતા લગભગ ૧૫ લોકો ઘાયલ થયા હોવાની સ્થાનિક અધિકારીઓએ માહિતી આપી છે.

માહિતી મુજબ, ભૂકંપ બપોરે લગભગ ૩ઃ૦૨ વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્રબિંદુ ૧૦ કિલોમીટર ઊંડાણમાં જણાવવામાં આવી રહ્યું છે. ભૂકંપનું કેન્દ્ર યુનાન અને સિચુઆન પ્રાંતની વચ્ચેની બોર્ડર પાસે લિજિયાંગ શહેરમાં નિંગલોંગ કાઉન્ટીથી ૬૦ કિલોમીટર અને યોંગનિંગ શહેરથી ત્રણ કિલોમીટર દૂર છે. નિંગલોંગ પબ્લિસિટી ડિપાર્ટમેન્ટે જણાવ્યું કે ગામના કેટલાય ઘરોમાંથી ટાઈલ્સ પડી ગઈ છે. જોકે, પ્રાંતીય સિસ્મોલોજીકલ સેન્ટરે જણાવ્યું હતું કે હજુ સુધી ઘરોને મોટા નુકસાનના કોઈ અહેવાલ નથી. સમાચાર અનુસાર, અસરગ્રસ્ત વિસ્તારની વસ્તી ૨૪,૦૦૦ છે. નિંગલોંગમાં ફાયર વિભાગે એપી સેન્ટર વિસ્તારમાં આપત્તિની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ચાર વાહનો અને ૧૫ લોકોને રવાના કર્યા છે. ૬૦ સભ્યોની શોધ અને બચાવ ટીમ પણ મોકલવામાં આવી છે.