ચંદ્રાલા હાઈવે પરની પ્લાયવુડની ફેકટરીમાં ભીષણ આગ લાગી
હાઇકોર્ટનો આદેશ હોવા છતાં ગાંધીનગરમાં ફાયર સેફ્ટી વિનાની અનેક બિલ્ડીંગો ધમધમી રહી છે. તેમ છતાં નોટિસો આપીને તંત્ર દ્વારા સંતોષ માની લેવામાં આવે છે. એવામાં આજે નેશનલ હાઇવે નંબર – ૮ ચંદ્રાલા રોડ પર આવેલી જોગેશ્વરી પ્લાયવૂડ ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગી હતી. જેનાં કારણે ફેક્ટરીમાં કામ કરતા મજૂરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.
અચાનક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફેક્ટરીમાંથી બધા દોડીને બહાર નીકળી ગયા હતા. જ્યારે બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડના લાશ્કરો અગ્નિ શામક સાધનો સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડો દૂર દૂર સુધી જોઈ શકાતો હતો. ફાયર બ્રિગેડના લશ્કરોએ સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો.
જોગેશ્વરી પ્લાયવૂડ ફેક્ટરીમાં શોટ સર્કિટનાં કારણે આગ હોય તેવું પ્રાથમિક રીતે લાગી રહ્યું છે. જોકે, પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવાયો છે અને કોઈ જાનહાનિ પણ થઈ નથી.
ફેક્ટરીમાં તપાસ કરતા અહીં કોઇ પ્રકારના ફાયર સેફ્ટીની સુવિધા રાખવામાં આવી ન હતી. નિયમ મુજબ આવી ફેક્ટરીમાં પાણીની કે પાણી માટેનો સંપ પણ બનાવવામાં આવ્યો નથી. આ આગમાં કેટલું નુકશાન થયું તેની તપાસ થયા પછી જ જાણવા મળશે.ગાંધીનગરના ચંદ્રાલા હાઇવે રોડ પર ફાયર સેફ્ટીનાં સાધનો વિના ધમધમતી જોગેશ્વરી પ્લાયવૂડ ફેક્ટરીમાં શોટ સર્કિટનાં કારણે અચાનક ભીષણ આગ ભભૂકી હતી. આગ લાગતાં ફાયર બ્રિગેડનાં લશ્કરોએ તાત્કાલિક પહોંચીને પાણીનો સતત મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. આ આગમાં મોટાભાગનું પ્લાયવૂડ બળીને ખાખ થઈ ગયું હતું. જોકે, સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.