રાજકોટમાં પસ્તી ભંડારમાં મોડી રાત્રે આગ લાગતાં ખળભળાટ મચ્યો
રાજકોટના કોઠારીયા રોડ પર આવેલા પારેખ પસ્તી ભંડારમાં મોડી રાત્રે કોઇ કારણોસર ભીષણ આગ લાગી હતી. આથી આજુબાજુના વિસ્તારોમાં રહેતા લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાને પગલે ૧૦થી વધુ ફાયર ફાઇટર દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે. ભંગારના આ ડેલામાં પસ્તી, વાયર, પ્લાસ્ટિક અને ઓઇલ કેનનો મોટા જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો. આગ લાગતા જ તમામ વસ્તુમાં પ્રસરી હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. આગ પર કાબૂ મેળવાય તે પહેલા તમામ વસ્તુઓ બળીને ખાખ થઇ હતી.
આગની જાણ થતા જ રાજકોટ મનપાની ચૂંટણી લડનારા ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો દોડી ગયા હતા. આગ પર કાબૂ મેળવવા સ્થાનિક લોકોની મદદ મળી હતી. આસપાસના ઘરમાં પાણીની મોટરો પણ ચાલુ કરી દેવામાં આવી હતી. આથી આગ થોડીવારમાં જ કાબૂમાં આવી ગઇ હતી.
જાે કે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. આથી ફાયરબ્રિગેડ સહિત તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. વિકારળ આગને કારણે આસપાસમાં રહેતા ભરનિંદ્રામાંથી ઉઠીને બહાર નીકળી ગયા હતા. થોડીવાર માટે ભંગારના ડેલામાં કામ કરતા કર્મચારીઓમાં પણ નાસભાગ થઇ હતી.