સુરતમાં રહેણાંક એપાર્ટમેન્ટમાં આગ લાગતા ચકચારઃ મોટી જાનહાનિ ટળી
સુરતના સગરામપુરા વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં અચાનક આગ લાગી ગઈ હતી. રમીઝ એપાર્ટમેન્ટની ગલીમાં જમણી તરફ આવેલા એપાર્ટમેન્ટમાં આગ લાગી ગઈ હતી. મીટરપેટીમાં લાગેલી આગના ધુમાડા ઊંચે સુધી ઊઠ્યા હતા, જેથી એપાર્ટમેન્ટના રહીશોની સાથે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મીટરપેટીનો ધુમાડો ઉપર સુધી આવતાં લોકોએ જીવ બચાવવા માટે એપાર્ટમેન્ટની બારીનો સહારો લઈને જોખમી રીતે નીકળવાનું પસંદ કર્યું હતું. બારીમાંથી બીજા ફ્લેટમાં ગયા હોવાનો વીડિયો કેમેરામાં કેદ થઈ ગયો હતો.
રમીઝ એપાર્ટમેન્ટની ગલીમાં આવેલા એપાર્ટમેન્ટમાં મીટરપેટીમાં આગ લાગી ગઈ હતી, જેથી ધુમાડો ઉપરની તરફ આવતાં એપાર્ટમેન્ટના રહીશોમાં ડરનો માહોલ પેદા થઈ ગયો હતો. જેથી લોકોએ જીવ બચાવવા માટે જીવને જોખમમાં મૂક્યો હતો. જીવ જોખમમાં મૂકીને લોકો બારીમાંથી નીકળીને અન્ય ફ્લેટમાં ગયા હતા.
ફાયરબ્રિગેડ આવ્યું ત્યાં સુધીમાં લોકોએ જીવના જોખમે અન્ય ફ્લેટમાં ગયા હતા. બાદમાં ફાયરબ્રિગેડની ગાડીઓ દ્વારા તેમને નીચે ઉતારવામાં આવ્યા હતા. આ સાથે જ ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો, જેથી લોકોએ રાહતનો દમ લીધો હતો.