વડોદરાના રાજમહેલ રોડ પર નકલી ઓઈલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

નાના વેપારીઓ અને ગેરેજ માલિકોને GST વિનાનું ઓઈલ કહીને સસ્તા ભાવે વેચતા હતા


વડોદરા: ભેળસેળવાળા અને નકલી ખાદ્ય તેલ વિશે તમે સાંભળ્યું હશે, પરંતુ હવે તો વાહનોમાં વપરાતું ઓઈલ પણ નકલી બની રહ્યું છે. વડોદરાના રાજમહેલ રોડ પર નકલી ઓઈલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. જેમાં પોલીસે બે ભાઈઓને ઝડપી પાડ્યા છે. વડોદરા શહેર SOGએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બન્ને ભાઈઓ વિવિધ ૭ બ્રાન્ડેડ કંપનીઓના નામના નકલી સ્ટિકર ચોંટાડી ઓઈલનું વેચાણ કરતા હતા. જેને લઈને પોલીસ દ્વારા કંપનીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે. નકલી ઓઈલ વિક્રેતા બે ભાઈઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

વડોદરાના બે ભાઈઓ મોસીન માસ્કતવાલા અને યાસીન મસ્કતવાલા બંને નાના વેપારીઓ અને ગેરેજ માલિકોને GST વિનાનું ઓઈલ કહીને સસ્તા ભાવે ઓઈલ વેચતા હતા. બ્રાન્ડેડ ઓઇલના નામે લોકોને નકલી ઓઈલ પધરાવી દેતા હતા. પોલીસે માસ્કતવાલા બંધુના ઘરે અને ગોડાઉનમાંથી રૂપિયા ૫.૫ લાખની કિંમતના ઓઈલ સહિત કુલ રૂ.૬.૧૯ લાખનો જથ્થો કબ્જે કર્યો છે. પોલીસે નકલી ઓઈલનું નેટવર્ક ક્યાં સુધી પથરાયેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.