યુએસટીડીએના પ્રતિનિધિમંડળે રાજ્યના ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત અને ક્લાઈમેટ ચેન્જ મંત્રી શ્રી મુળુભાઈ બેરાની સૌજન્ય મુલાકાત લીધી
ગાંધીનગરઃ તા. ૧૬ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ યુએસટીડીએના પ્રતિનિધિમંડળે ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત અને ક્લાઈમેટ ચેન્જ મંત્રી શ્રી મુળુભાઈ બેરાની સૌજન્ય મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, ભારત જી20 પ્રેસિડેન્સીનું આયોજન કરી રહ્યું છે અને દેશભરમાં લગભગ ૨૦૦ બેઠકો યોજાવાની છે તે પૈકી ગુજરાતમાં ૧૫ બેઠકોનું આયોજન કરાશે. G20 સમિટ અંતર્ગત B20ની ઇન્સેપશનની બેઠક ૨૨ અને ૨૩ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ યોજાનાર છે. મંત્રીશ્રીએ પ્રતિનિધિમંડળને B20ની ઇન્સેપશનની બેઠકમાં ભાગ લેવા પણ આમંત્રણ આપ્યું હતું.
આ મુલાકાત દરમિયાન યુ.એસ. ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ એજન્સીના ડાયરેક્ટર સુશ્રી એનોહ ટી. ઇબોંગે સ્વચ્છ ઉર્જા, ક્લાઈમેટ ચેન્જ અને સ્વચ્છ પરિવહન ક્ષેત્રમાં યુએસટીડીએ દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓથી મંત્રીશ્રીઓને માહિતગાર કર્યા હતા. તેમણે વધુમાં નવા ગ્લોબલ પ્રોક્યોરમેન્ટ ઇનિશિયેટિવ (GPI) પ્રોગ્રામ સંદર્ભે જણાવી કહ્યું કે આ પ્રોગ્રામ યુએસ કંપનીઓ માટે લેવલ પ્લેઇંગ ફિલ્ડ બનાવવામાં વધુ મદદ કરશે. ગુજરાત પણ આ પોગ્રામમાંનું એક રાજ્ય છે.
યુએસટીડીએ વ્યૂહાત્મક યુએસ-ભારત ભાગીદારીના સમર્થનમાં મજબૂત પોર્ટફોલિયો ધરાવે છે. વર્ષ ૧૯૯૨થી યુએસટીડીએ ભારતના મુખ્ય ક્ષેત્રોમાં 200 થી વધુ પ્રવૃત્તિઓને નાણાકીય સહાય કરી છે જેના પરિણામે ૪ બિલિયન ડોલરથી વધુની નિકાસ થઈ છે. યુએસટીડીએ સ્માર્ટ શહેરો, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રેલ, બંદરો અને કોલ્ડ ચેઈનને સપોર્ટ કરતા પ્રોજેક્ટ્સ સાથે યુએસ કુશળતાને જોડવા તથા સ્માર્ટ ગ્રીડ, ઊર્જા સંગ્રહ ક્ષેત્રે રોકાણ કરીને ભારતના ઊર્જા ક્ષેત્રને વધુ વિકસાવવા કાર્ય કરી રહ્યું છે.
ક્લાઈમેટ ચેન્જ વિભાગના અગ્ર સચિવ શ્રી એસ.જે. હૈદરે રાજ્ય સરકાર દ્વારા ક્લાઈમેટ ચેન્જ ક્ષેત્રે લીધેલ વિવિધ પહેલોનો ઉલ્લેખ કરતાં ઉમેર્યુ હતુ કે ગુજરાત એકમાત્ર રાજ્ય છે કે જ્યાં ક્લાઈમેટ ચેન્જ માટે અલગ વિભાગ છે. વધુમાં, તેમણે રાજ્યમાં અમલી પ્રોત્સાહક નીતિઓ વિશે જણાવતાં કહ્યું કે ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર પણ પ્રોત્સાહન આપવામાં આવે છે.
એનર્જી અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્માએ ગ્રીડ સ્ટેબિલિટી, ઓફશોર એનર્જી જનરેશન અને એનર્જી સ્ટોરેજના ક્ષેત્રોમાં યુએસ કંપનીઓ માટે સહયોગની વિવિધ તકો રહેલી છે તેમ જણાવ્યુ હતું.
પ્રવાસન વિભાગના સચિવ શ્રી હારીત શુક્લાએ કહ્યું હતું કે ધોલેરા SIR જે ગ્રીનફિલ્ડ ઈન્ડસ્ટ્રીયલ સિટી તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે જ્યાં વિકાસની ઘણી તકો રહેલી છે. યુએસ કંપનીઓ ધોલેરામાં તેમના ઉત્પાદન એકમો સ્થાપવા માટેની તકો શોધી શકે છે. વધુમાં તેમણે ઉડ્ડયન ક્ષેત્રે રહેલી તકો વિશે પણ જણાવ્યું હતું.
ઉદ્યોગ કમિશનર ડો. રાહુલ ગુપ્તાએ રાજ્યના સર્વાંગી વિકાસ અને “આત્મનિર્ભર ગુજરાત યોજનાઓ” પર ભાર મૂક્યો હતો. યુએસ કંપનીઓ ધોલેરા અને ગિફ્ટ સિટી જેવા ભાવિ પ્રોજેક્ટ્સમાં સંશોધન કરી વિકાસની તકોને પ્રાપ્ત કરી શકે છે.
ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના પ્રાદેશિક નિયામક સુશ્રી વેરિન્ડા ફીક, યુએસટીડીએના વરિષ્ઠ પ્રાદેશિક પ્રતિનિધિ-દક્ષિણ એશિયા સુશ્રી મેહનાઝ અંસારી, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના કન્ટ્રી મેનેજર સુશ્રી તન્વી મધુસુધાનન, યુ.એસ. કોમર્શિયલ ઓફિસ-ગુજરાતના ડાયરેક્ટર સુશ્રી સંગીતા તનેજા, સુશ્રી એનોહ ટી. ઇબોંગ સાથે જોડાયા હતા તથા રાજ્ય સરકાર વતી iNDEXTbના મેનેજિંગ ડિરેક્ટર અને શ્રીમતી મમતા હિરપરા અને GEDAના ડાયરેક્ટર શ્રીમતી શિવાની ગોયલ પણ ઉપસ્થિત રહ્યા હતા.