ગાય બદામી, સફેદ, કાળી હોય, પણ વાદળી ગાય હોય? ના.. હોય.. પણ અંકલેશ્વરમાં જોવા મળી છે વાદળી ગાય…

  • ગાયને માતા રૂપી દરજ્જો, પણ કેટલાંક કેમિકલ માફિયાઓના પાપે ગાય નર્કાગારમાં રહેવા લાચાર
  • પર્યાવરણને થઈ રહેલા અપાર નુક્શાન સામે જીપીસીબી ક્યાં સુધી શાહમૃગવૃત્તિ વલણ અપનાવશે?
  • જીઆઈડીસીમાં જ્યાં ત્યાં પડેલા પ્લાસ્ટિક કચરાને ખાઈ રહેલી ગાયો માટે અધિકારીઓમાં કરૂણા ક્યારે પેદા થશે?
  • અંકલેશ્વર જીઆઈડીસીમાં નાળામાંથી વહેતા ફીણવાળા પાણીની દુર્ગંધ સરકારી બાબુઓના નાકે ક્યારે પહોંચશે?
  • પર્યાવરણને નુક્શાન પહોંચાડી રહ્યાં છે ખુલ્લી જગ્યામાં ઠલવાયેલા ઔદ્યોગિક કચરાના ઢગલા

ભરૂચઃ હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકે દરજ્જો આપવામાં આવ્યો છે. હિન્દુ ધર્મ પ્રમાણે ગાયમાં 33 કોટી દેવી-દેવતાઓ નિવાસ કરે છે. આ ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણના જીવન અને જ્ઞાનમાં ગાયની સંગત જોવા મળે છે. ટૂંકમાં એટલું જે કે ગાયને માતાનો દરજ્જો આપ્યો છે, પણ અંકલેશ્વર જીઆઈડીસીમાં ગાયની સ્થિતિ જોઇને લાગે છે કે ગાયની સાચી સેવામાં આપણે ઉણા ઉતર્યા છે.

હાલમાં અંકલેશ્વર જીઆઈડીસીની પર્યાવરણ ટુડેની ટીમે મુલાકાત લીધી ત્યારે જે દ્રશ્યો જોવા મળ્યા તે ખરેખર મનમાં અજંપો પેદા કરનારા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં પાણીની ટાંકી પાસેથી પસાર થતાં પાણીના નાળામાં ફીણ વાળું દુર્ગંધયુક્ત પાણી વહી રહ્યું હતુ. આ વહી રહેલા પ્રદૂષિત પાણી ફીણથી ઢંકાયેલું જોવા મળ્યું, તે જોઇને એ પ્રશ્ન મનમાં પેદા થાય કે આ પાણી કેટલી હદે પ્રદૂષિત હશે. આ દુર્ગંધ મારતા પ્રદૂષિત પાણીની દુર્ગંધ અહીંના ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓના નાક સુધી પહોંચી રહી નથી કે શું?

પ્રદૂષણ સંબંધિત આ દ્રશ્યો તો સામાન્યપણે જોવા મળતા દ્રશ્યો હતા કે જેને જોઇને હવે સામાન્ય લોકોને પણ તે અસામાન્ય લાગતા નથી. પણ પછી જે દ્રશ્ય જોવા મળ્યું તે ખરેખર અંકલેશ્વર જીઆઈડીસીમાં વિચરતા પ્રાણીઓ, લોકો અને પર્યાવરણ પર ઝળુંબી રહેલા જોખમની ચાડી ખાતું હતુ. આપણે ગાયને માતાનો દરજ્જો આપીએ છીએ, તેની પૂજા કરીએ છીએ. સામાન્ય રીતે ગાયનો રંદગ સફેદ, કાળો કે બદામી હોય છે પણ અહીં અલગ જ રંગની ગાય જોવા મળી. આ કોઈ આશ્ચર્ય પમાડનાર બાબત નથી. અહીંના ઔદ્યોગિક એકમો દ્વારા ફેલાવાતા કેમિકલ પ્રદૂષણથી એક સફેદ ગાય વાદળી રંગની થઈ ગયેલી જોવા મળી. એક તો અહીં ફીણ વાળા પ્રદૂષિત પાણી વહાવતા નાળાની આસપાસ વિચરતી અને જ્યાં ત્યાં પડ઼ી રહેલા પ્લાસ્ટિકના કચરાનો ચારો ખાતી ગાયની સ્થિતિ કોઈ નર્કાગારમાં રહેવા બરોબર જ હતી. ત્યાં વળી શરીર પર જામી બેઠેલા વાદળી રંગ જોઇ ખરેખર ગૌપ્રેમીઓમાં કરૂણા જન્માવી દે. પણ અહીં જમાવટ કરીને બેઠેલા પ્રદૂષણ માફિયાઓના મન જડ થઈ ગયા છે. તેમના પાપે ગાયની આ દયનીય હાલત વાસ્તવમાં મનને અજંપાભરી સ્થિતિમાં લાવી દે છે.

આ વાદળી રંગથી રંગાયેલી ગાયની આ સ્થિતિ કોઈ ચોક્કસ પ્રકારના કેમિકલની અસરથી થાય છે. ગાય સહિતના અન્ય પશુધન અને વિચરતા પશુ-પક્ષીઓ તેમજ માનવજાતના આરોગ્ય પર આ કેમિકલથી ખૂબ જ ગંભીર સ્થિતિ પેદા કરી રહી છે. લાબાં ગાળે શ્વસન અને ત્વચા સંબંધી રોગોનું જોખમ મોતની તલવારની જેવું સાબિત થઈ રહ્યું છે. આ ચોક્કસ પ્રકારના કેમિકલનો સંપર્ક વણનોતરી આફતનો પહાડ બની શકે છે. આ વાતનો છેદ સ્થાનિક પ્રદૂષણ માફિયાઓ ઉડાડી દે તે વાત સમજાય તેવી છે, પરંતું શું આ વાત અહીં બેઠેલા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સ્થાનિક અધિકારીઓના ધ્યાનમાં નહીં આવતી હોય? પશુઓ, માનવજાત, પર્યાવરણને નુક્શાન કરતી આ પ્રવૃત્તિઓ સામે જીપીસીબીના અધિકારીઓ ક્યાં સુધી શાહમૃતિ વલણ અપનાવશે? તેમના મનમાં આ વાદળી રંગની ગાય માટે કરૂણા ક્યારે જન્મશે? આ પ્રદૂષણ ફેલાવતા માફિયાઓ સામે તંત્ર ક્યારે એક્શનમાં આવશે? જોકે, આ માટે ઈચ્છા શક્તિ સર્વોપરી છે, પરંતુ અફસોસ કે હાલ તો તેનો અભાવ જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.

અહીં આગળ જતાં ક્યાંક ફીણ વગરનું પણ દુર્ગંધયુક્ત પ્રદૂષિત પાણીનું વહન કરતા નાળું જોવા મળ્યું હતુ, જેમાં પણ પારાવાર ગંદકી જોવા મળી રહી હતી. આ ઉપરાંત ખુલ્લી જગ્યામાં પડેલા પ્રદૂષિત કચરાના ઢગલાઓના દ્રશ્યો પણ ક્યાંક ક્યાંક જોવા મળતા હતા.

અંકલેશ્વર જીઆઈડીસીમાં જોવા મળેલા દ્રશ્યોમાં ખરેખર પ્રકૃતિના ભોગે જોવા મળેલા દ્રશ્યો છે. જો કે હજુ પણ આપણે નહીં સમજીએ તો કદાચ ખૂબ જ ભયાનક પરિણામો આવી શકે છે. અંતે તો આપણે એ યાદ રાખવું જરૂરી છે કે કુદરત આગળ આપણે સૌ વામણા છીએ.

આ સિવાય અંકલેશ્વર અને તેની આસપાસમાં આવેલી જીઆઈડીસીમાં ઔદ્યોગિક અકસ્માતો પણ બનતા રહે છે. હાલમાં ગત સપ્તાહે અંકલેશ્વરની પનોલી જીઆઈડીસીમાં એક ફાર્મા કંપનીમાં ગેસ ગળથર થતા દોડધામ પણ મચી જવા પામી હતી. જુલાઈમાં પણ કેમેક્સ લિમિટેડ કંપનીમાં ભીષણ આગથી આકાશમાં ધૂમાડાના જોવા મળ્યા હતા. જૂન મહિનામાં એક કલર કંપનીમાં આગ લાગવાની અને ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ગેસ લીકેજના ઘટના બનવા પામી હતી. અહીં આવા કેટલાંક ઔદ્યોગિક અકસ્માતોનો ઉલ્લેખ કરવો એટલા માટે જરૂરી છે કે આ પ્રકારની ઘટનાથી પણ પ્રદૂષણ ફેલાતું હોય છે. ઘઠનાની આસપાસના વિસ્તારોની હરિયાળી, જમીન અને હવા પ્રદૂષિત થાય છે, જેથી આવા એકમો સામે સઘન કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. આ રીતે પ્રદૂષણને નાથવા માટે એનેક મોરચે લડત આપવી જરૂરી બન્યું છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news