જી૨૦માં આવેલા ચીનના પ્રતિનિધિમંડળ પાસે રહસ્યમય બેગથી હંગામો, હોટલ તાજમાં કલાકો સુધી હાઈવોલ્ટેજ ડ્રામા ચાલુ રહ્યો

નવીદિલ્હીઃ જી૨૦ સમિટ સમાપ્ત થઈ પરંતુ સૂત્રો પાસેથી મોટા સમાચાર સામે આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે જી૨૦ સમિટ દરમિયાન હોટલ તાજ પ્લેસમાં ચીનના પ્રતિનિધિમંડળની રહસ્યમય બેગથી હંગામો મચી ગયો હતો. આ દરમિયાન ૧૨ કલાક સુધી હાઈવોલ્ટેજ ડ્રામા ચાલુ રહ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, જી૨૦ સમિટ માટે ભારત આવેલા ચીનના પ્રતિનિધિમંડળનું રહેવાનું આયોજન તાજ પેલેસ હોટલમાં કરવામાં આવ્યું હતું. બ્રાઝિલનું પ્રતિનિધિમંડળ પણ ત્યાં હાજર હતું. ચીનના પ્રતિનિધિમંડળના સભ્ય પાસે એક વિચિત્ર રહસ્યમય બેગ હતી. પ્રોટોકોલ મુજબ, હોટલની સુરક્ષા દ્વારા તે બેગની તપાસ કરવામાં આવી ન હતી. બાદમાં હોટલના સ્ટાફે દિલ્હી પોલીસ અને અન્ય સુરક્ષા દળોને બેગમાં એક વિચિત્ર દેખાતા ઉપકરણ અંગે જાણ કરી હતી. સુરક્ષા દળોએ ચીની પ્રતિનિધિમંડળની બેગને સ્કેનરમાં મૂકવાની વિનંતી કરી હતી. ચીનના પ્રતિનિધિમંડળના સભ્યએ બેગની તપાસ કરાવવાની ના પાડી દીધી હતી. બેગને લઈને લગભગ ૧૦થી ૧૨ કલાક સુધી હંગામો ચાલ્યો. સુરક્ષા દળો ૧૨ કલાક સુધી એક જ રૂમની બહાર તૈનાત રહ્યા.

તમને જણાવી દઈએ કે જી૨૦ સમિટ રવિવારે સમાપ્ત થઈ ગઈ. આ સમાચાર તેના થોડા દિવસો પછી આવ્યા છે. ઘણા પ્રયત્નો પછી આ સંઘર્ષ શાંત થયો હતો. તમને જણાવી દઈએ કે ૯-૧૦ સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં જી૨૦ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ કોન્ફરન્સમાં ભાગ લેવા આવ્યા નહોતા. વડા પ્રધાન લી કિઆંગે તેમના સ્થાને આ સંમેલનમાં ભાગ લીધો હતો.

આ સમિટ દરમિયાન ભારતે ઘણા દેશો સાથે મોટા સોદા કર્યા હતા. આ કારણે ચીનનો તણાવ ઘણો વધી ગયો હતો. જી૨૦ કોન્ફરન્સ દરમિયાન ભારતની તાકાત જાઈને ચીન દંગ રહી ગયું હતું. પીએમ મોદીએ આ કોન્ફરન્સમાં ચીનના રાષ્ટ્રપતિની ગેરહાજરી પર સવાલ ઉઠાવ્યા હતા. આ સિવાય અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પણ જિનપિંગ આ કોન્ફરન્સમાં ન આવવા પર નિરાશા વ્યક્ત કરી હતી.