બોપલમાં ૩.૫ કરોડ રૂપિયાના ખર્ચે બન્યું સુંદર ઈકો પાર્ક

વર્ષ ૨૦૧૬માં બોપલ નગરપાલિકાએ ખાતરી આપી હતી કે, તે કચરાને પિરાણામાં લઈ જવાની અને કચરાના ઢગલાને સાફ કરવાની જોગવાઈ કરશે, પરંતુ તેમાથી ઘણુ કામ પૂર્ણ થયું નહોતું. પરંતુ વર્ષ ૨૦૨૦ની શરૂઆતમાં, અમદાવાદ મહાનગરપાલિકાએ બોપલ-ઘુમા નગરપાલિકાને હસ્તગત લીધા બાદ તરત જ આ ૨૨ હજાર સ્ક્વેર મીટર જગ્યાને ઈકોલોજિકલ પાર્કમાં રૂપાંતરિત કરવા માટે એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો.

૩.૫ કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટમાં ભેજને જાળવી રાખવા માટે અને છોડના મૂળને બાંધવા માટે માટીનો નવો ટોચનો સ્તર પાથરવાનો સમાવેશ થતો હતો. ‘તેને વધારે ફળદ્રુપ બનાવવા માટે કાળી માટીનું એક સ્તર ઉમેરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયામાં એએમસીએ આશરે ૭૫ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. લાઈટિંગ અને વૃક્ષારોપણ પર એક કરોડ રૂપિયાનો ખર્ચ થશે. પાર્કમાં પ્રવાસી પક્ષીઓને આકર્ષિત કરવા માટે એક નાનકડું તળાવ પણ છે’, તેમ એએમસીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. એએમસીએ બાયો-માઈનિંગ મશીન લગાવ્યું હતું દે સ્થળ પર આઠ કલાકની શિફ્ટમાં ૧ હજાર ટન કચરાની પ્રક્રિયા કરી શકતું હતું.

અધિકારીઓએ દાવો કર્યો હતો કે, કમ્પાઉન્ડની દિવાલનું નિર્માણ કામ અને ડ્રેનેજ તેમજ વરસાદી પાણીની પાઈપ લાઈન નાખવા જેવા કામોમાં સૌથી વધારે સમય લાગ્યો હતો.શહેરના બોપલ વિસ્તારને ઈકોલોજિકલ પાર્ક મળ્યું છે. એક સમયે જીઈબી રોડ પર જ્યાં કચરાનો ઢગલો હતો તે આજે એકાંત અને શાંત સ્થળમાં પરિવર્તિત થઈ ગઈ છે. એક સમય એવો હતો જ્યારે રસ્તે રખડતા કૂતરા, ઢોર અને ઉંદરો રહેવાસીઓ દ્વારા ફેંકવામાં આવેલો કચરો ખાતા હતા. તે ડમ્પ સાઈટ પર આશરે ૩ લાખ ટન કચરો પડ્યો હતો.