પૃથ્વી ઉપર માનવીઓનું અસ્તિત્વ મહિલાઓને આભારીઃ વિશ્વ મહિલા દિવસ નિેમિત્તે સમસ્ત નારીશક્તિને શુભેચ્છાઓ પાઠવતા ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત
મહિલા અને બાળ કલ્યાણ વિભાગ માટે રૂ. ૬૦૬૪ કરોડની મહત્વની ફાળવણી કરી રાજ્ય સરકારે મહિલાઓનું બહુમાન કર્યું છેઃ ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત
વિધાનસભા ગૃહમાં બજેટ પરની ચર્ચામાં ભાગ લેતા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું હતું કે, પૃથ્વી ઉપર માનવીઓનું અસ્તિત્વ એ મહિલાઓને આભારી છે. વિધાનસભાના તમામ મહિલા ધારાસભ્યોને તથા રાજ્યની તમામ નારીશક્તિને આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે શુભકામનાઓ પાઠવી હતી.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે નારી શક્તિને વંદન કરતાં ઉદ્યોગમંત્રી રાજપૂતે કહ્યું હતું કે, પ્રાચીન કાળથી “શક્તિ અને માતા” એ બે નિરૂપણોથી ભારતમાં મહિલાઓને સન્માનની દ્રષ્ટિથી જોવામાં આવે છે. રાધા-કૃષ્ણ, સીતા-રામ, ઉમા-મહેશ, લક્ષ્મી-નારાયણ આ નામ જ દર્શાવે છે કે મહિલાનું સર્વોચ્ચ સ્થાન છે. અપાલા, ઘોષા, મૈત્રેયી, લોપા મુદ્રા અને ગાર્ગી જેવી વિદ્વાન મહિલાઓ વૈદિક કાળમાં મહત્વનો ભાગ ભજવતી હતી. આધુનિક ભારતના ઇતિહાસમાં જોઈએ તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, અહલ્યાબાઈ હોલકર, મેડમ ભીખાઈજી કામા, સરોજિની નાયડુ, એની બેસન્ટ, કસ્તુરબા ગાંધી અને ઉષા મહેતા જેવી મહિલાઓએ સક્રિય પણે ભાગ ભજવ્યો છે.
મંત્રીએ કહ્યું હતું કે, આજે લોકસભામાં પણ ૫૪૫ સભ્યોમાંથી ૮૨ સભ્યો મહિલાઓ છે. પ્રધાનમંત્રી પણ રાજકીય ક્ષેત્રોમાં મહિલાઓનું ભૂમિકા રહે તે માટે સતત પ્રયત્નશીલ છે. હાલ ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પણ નારીશક્તિનું એક ઉત્તમ ઉદાહરણ છે. ગુજરાતમાં પણ પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલે સફળ સુકાની તરીકે રાજ્યનો વહીવટ કર્યો હતો.
મંત્રીએ કહ્યું હતું કે, છેલ્લા દસ વર્ષમાં ૧૨.૫૬ ટકાનો વાર્ષિક સરેરાશ વિકાસદર નોંધાવીને ગુજરાતે સાબિત કરી દીધું છે કે, વિકાસની બાબતમાં તે દેશનું ગ્રોથ એન્જિન છે. વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં બીજો ક્રમ ધરાવતું આપણું આ ભારત, પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે. આ વર્ષ એ આપણા સૌ માટે ખૂબ અગત્યનું વર્ષ છે કારણ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આઝાદીના અમૃત વર્ષની ઉજવણી આપણે આ વર્ષે કરી રહ્યા છે. તેમજ વિશ્વના ૧૯ વિકસિત દેશો તથા યુરોપિયન યુનિયનથી બનેલી જી-૨૦ સમૂહનું અધ્યક્ષપદ આ વર્ષે ભારત પાસે છે, જેના પરિણામે વિશ્વના દેશોની નજર ભારત તરફ છે. “વસુધૈવ કુટુંબકમ” અને “એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય”નો ભારતીય વિચાર વિશ્વની ૬૫ ટકા વસ્તી, ૭૫ ટકા વ્યાપાર અને ૮૫ ટકા જીડીપી ધરાવતા આ જી-૨૦ ના સમૂહ મારફતે ભારતે વિશ્વને આપ્યું છે.
તેમણે બજેટ પરની ચર્ચામાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને ભાનુબેન બાબરીયાના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે આ વર્ષે બજેટમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ માટે રૂ. ૬૦૬૪ કરોડની માતબર રકમ ફાળવીને નારી શક્તિનું સાચા અર્થમાં સન્માન કર્યું છે. ગંગા સ્વરૂપા યોજના અંતર્ગત વિધવા બહેનોને આર્થિક મદદ પૂરી પાડવા માટે ૧૮૯૭ કરોડ રૂપિયા, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓને ટેક હોમ રાશન માટે ૧૪૫૨ કરોડ રૂપિયા, માતા યશોદા તરીકે આંગણવાડીઓની બહેનોને માનદવેતન અને અન્ય સુવિધાઓ માટે ૭૫૦ કરોડ રૂપિયા, કિશોરીઓને પૂર્ણા યોજના હેઠળ પોષક આહાર પૂરો પાડવા માટે ૩૯૯ કરોડ રૂપિયા, વહાલી દિકરી યોજનાથી દિકરીઓના જન્મદરમાં વધારો કરવાનો અને શિક્ષણનો ડ્રોપ-આઉટ રેશીયો ઘટાડવા માટે ૧૫૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
આ ઉપરાંત પોષણસુધા યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, દૂધ સંજીવની યોજના, અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન, બેટી બચાવો, બેટી પઢાવો યોજના, સખી વન સ્ટોપ સેન્ટર વગેરે જેવી મહિલા કલ્યાણની યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા અમલમાં છે એમ મંત્રીએ ઉમેર્યું હતું.
મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે મહિલાઓના લાભાર્થે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. બેટી બચાવો, નારી-ગૌરવ નીતિ, બાલિકા સમૃદ્ધિ યોજના, કિશોરી સશક્તિ યોજના, સ્વંયસિદ્ધા યોજના, વિધવા સહાય અને તાલીમ યોજના, સરસ્વતી સાધના યોજના, કુવરબાઈનું મામેરું યોજના, સાત ફેરા સમુહલગ્ન, મહિલા વૃદ્ધાશ્રમ, ચિરંજીવી યોજના, નારી અદાલત, સખી મંડળ યોજના કૃષિ તાલીમ યોજના, મત્સ્ય ઉદ્યોગ સાહસિક જેવી અનેક યોજનાઓ થકી ગુજરાતની મહિલાઓને આર્થિક અને સામાજિક સશક્તિકરણ માટેના પ્રયાસો અમારી સરકારે હાથ ધર્યા છે.
મંત્રીએ બજેટ અંગે ચર્ચા કરતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગત વર્ષ કરતાં ૨૩.૩૮ ટકાના વધારા સાથે અને ૯૧ ટકા વધુ મૂડી ખર્ચમાં વધારો કરનારું બજેટ ગુજરાતના ઇતિહાસ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે. અંદાજપત્રમાં રાજ્ય સરકારે એક પણ નવા રૂપિયાનો નવો ટેક્સ ગુજરાતની જનતા ઉપર નાખ્યો નથી, જે ઐતિહાસિક વાત છે. વર્ષ ૨૦૦૨માં ગુજરાતનું બજેટ માત્ર ૨૬ હજાર કરોડનું હતુ, જે આજે ૨૦ વર્ષમાં ૩ લાખ કરોડ પહોચ્યું છે. ગુજરાત સરકારનું અંદાજપત્ર સર્વ સમાવેશક વિકાસની કલ્પના ઉપર આધારિત છે. ગરીબ, શ્રમિક, વંચિત, પીડીત વર્ગને આવરી લેતું આ બજેટ જરૂરિયાતમંદોની તમામ સુવિધાઓને લક્ષમાં લઈને બનાવવામાં આવેલું છે.
મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, સરકારે નવા બજેટમાં જળસંપત્તિ માટે ગત વર્ષની સરખામણીમાં ૮૨ ટકાનો વધારો સૂચવ્યો છે, જે ખરેખર આવકારદાયક છે. કચ્છ સુધીમાં નર્મદાનું પાણી પહોંચાડવાનું સૌભાગ્યનું કામ આ સરકારે કર્યું છે. સૌરાષ્ટ્રમાં ઘણી નદીઓ હોવા છતાંય આ વિસ્તારમાં સિંચાઈ માટે પહેલાના સમયમાં પૂરતું પાણી મળી શકતું ન હતું. આજે સૌરાષ્ટ્રમાં અનેક ચેકડેમો જોડીને નર્મદાના પાણી પહોંચાડવામાં આવ્યા છે અને આ કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અતિ મહત્વની એવી સૌની યોજનાના ઉપક્રમે કરવામાં આવ્યું છે.
ઉત્તર ગુજરાતમાં પણ ઘણા વિસ્તારોમાં પાણીની અછતથી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પરંતુ રાજ્ય સરકારે સુજલામ સુફલામ યોજના થકી આ વિસ્તારમાં પાણીની અછત દૂર કરી છે. સુજલામ સુફલામ પાઇપલાઇન દ્વારા ઉત્તર ગુજરાતમાં પણ ૯ જેટલા જળાશયોમાં નર્મદાનું પાણી નાખી નાખવામાં આવ્યું છે અને તેની સાથે ૧૪ જેટલા તળાવો પણ ભરવામાં આવ્યા છે. નવા બજેટમાં કસરાથી દાંતીવાડાની પાઇપલાઇન માટે નાણા ફાળવ્યા છે તે ઉત્તર ગુજરાતના લોકો માટે પરિવર્તનકારી સાબિત થશે. દક્ષિણ ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોમાં આવેલી નદીઓ ઉપર ચેકડેમ, બેરેજ, વીયર બનાવીને તથા પાઇપલાઇન દ્વારા ત્યાંના લોકોની જરૂરિયાતોને અને ખેડૂતોને સિંચાઈ માટેની સુવિધા ઉભી કરવાની નક્કર આયોજન સરકારે કર્યું છે એમ મંત્રીએ ઉમેર્યું હતું.
મંત્રીએ કહ્યું હતું કે, અમદાવાદમાં જ્યારે સાબરમતી નદી ઉપર રિવરફ્રન્ટ બનતો હતો ત્યારે ઘણા લોકો કહેતા હતા કે, આની શું જરૂર છે? આટલો ખર્ચો કેમ? પરંતુ જ્યારે રિવરફ્રન્ટ બની ગયો ત્યારે આવું કહેનારા પણ અઠવાડિયે બે-ત્રણ દિવસે સાંજે રિવરફ્રન્ટ ઉપર જઈને પોતાનો સારો સમય પસાર કરે છે. રિવરફ્રન્ટ આજે અમદાવાદની આગવી ઓળખ બન્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની આ સરકારે અમદાવાદની જેમ ગાંધીનગરમાં પણ સાબરમતી નદી ઉપર આવો રિવરફ્રન્ટ બનાવવાની જાહેરાત આ વર્ષના બજેટમાં કરી છે.
મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ઉદ્યોગક્ષેત્રે ગુજરાત વર્ષોથી અગ્રેસર છે. વર્ષ ૨૦૦૨થી રોજગારી આપવામાં ગુજરાત નંબર ૧ છે. ગુજરાતમાં એમએસએમઈ એકમો થકી મહત્તમ રોજગારી પૂરી પાડવામાં આવે છે. કોરોના મહામારીમાં વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત વધુ આત્મનિર્ભર બનીને ઊભરી આવ્યું છે, ત્યારે દેશના ત્રણ ડ્રગ્સ બલ્ક પાર્કમાંથી એક ગુજરાતના જંબુસરમાં સ્થપાવા જઈ રહ્યો છે, જે રાજ્ય માટે ગૌરવ સમાન છે. ગુજરાતની જીઆઈડીસીઓમાં નાના અને મોટા ઉદ્યોગોને તેમની જરૂરિયાત મુજબ શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ગુજરાતમાં સ્ટેચ્યુ ઑફ યુનિટીના નિર્માણ બાદ આ પ્રવાસન સ્થળની મુલાકાતે સૌથી વધુ પ્રવાસીઓ આવતા હોવાથી આ વિસ્તારના સ્થાનિક યુવાનોને ખૂબ મોટા પ્રમાણમાં રોજગારી ઉપલબ્ધ થઈ રહી છે.
દરિયાનું પાણી પીવાલાયક નથી આથી સમુદ્રમાં આવતી ભરતીની પ્રક્રિયા દરમિયાન જ્યારે દરિયાનું પાણી કિનારાઓ તરફ આવી જાય છે ત્યારે જમીનમાં ક્ષારનું પ્રમાણ વધતું જાય છે અને તે લાંબા ગાળે ભૂગર્ભ જળને અસર કરે છે. આ માટે નર્મદા નદી ઉપર ભાડભૂત યોજનાની કામગીરી અમારી આ સરકારે શરૂ કરી છે. જેના માટે પણ રૂ. ૧૪૦૦ કરોડથી વધુની ફાળવણી આ વખતે બજેટમાં કરવામાં આવી છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યનો યુવાન વિશ્વની સ્પર્ધામાં ટકી શકે તે માટે ટેકનોલોજીનું શિક્ષણ તેને જરૂરી છે અને આ માટે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ માળખાકીય અને અન્ય સુવિધાઓ માટે રૂ. ૩૧૦૦ કરોડ ફાળવીને ગુજરાતના સુવર્ણમય નિર્માણની કેડી અમારી સરકારે કંડારી છે. જે બાળકોમાં પ્રતિભા છુપાયેલી છે, પરંતુ કોઈ કારણસર તેઓ પોતાનું શિક્ષણ સારી શાળાઓમાં મેળવી શકતા નથી તેઓ માટે ધોરણ-૬ થી ૧૨ ની શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ વિનામૂલ્ય મળે તે માટે “૪૦૦ જ્ઞાનસેતુ ડે સ્કૂલ” બનાવવાનું આયોજન સરકારે કર્યું છે.
વધુમાં, રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ જે બાળકોએ પ્રવેશ મેળવ્યો હોય, પરંતુ ધોરણ-૮ પછી તેમને ખાનગી શાળામાં અભ્યાસ કરવો પડે, તેવા પ્રતિભાશાળી બાળકોને “૨૦ હજાર રૂપિયાનું શાળા વાઉચર” આપવાની નવીન શરૂઆત આ સરકાર કરવાની છે. છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત પ્રથમ સ્થાને રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓમાં સર્જન ક્ષમતામાં વધારો થાય તે માટે અને તેમના મગજમાં આવેલા વિચારો ઉત્પાદન સ્વરૂપે બજાર સુધી પહોંચે એ માટે જરૂરી સેન્ટરનો વિકાસ પણ ગુજરાત સરકાર કરવાની છે એમ મંત્રીએ ઉમેર્યું હતું.
તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય સોલાર એલાયન્સની સ્થાપનામાં ભારતે મહત્વની ભૂમિકા ભજવી છે અને સમગ્ર દેશમાં સૌર ઉર્જાનું ઉત્પાદન માટેની એક ક્રાંતિકારી શરૂઆત થઈ છે, જેમાં ગુજરાત સૌથી આગળ છે. ૨૦૭૦ સુધી નેટ ઝીરો લક્ષ્ય હાંસલ કરવા માટે ભારત મક્કમતાથી પગલાં ભરી રહ્યો છે, જેમાં ગુજરાત પોતાનો સિંહફાળો આપશે તેવો મંત્રીએ ગૃહમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.