ગરમીને લઇ GWF ની આગાહી. ફેબ્રુઆરીમાં આ તારીખે કડકડતી ઠંડીનો રાઉન્ડ?
ગરમીને લઇ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જે અનુસાર આગામી પાંચ દિવસ સુધી બેવડી ઋતુનો અનુભવ થશે. ફેબ્રુઆરીના મધ્યમાં ઠંડીનો એક રાઉન્ડ આવશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગરમીમાં વધારો થયો છે. અમદાવાદમાં ૧૩.૩ અને ગાંધીનગર ૧૧.૪ , નલિયા ૧૬.૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ૨૬.૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં હાલ ડબલ ઋતુનો મારે ચાલી રહ્યો છે. બપોરે તાપમાન વધતા ગરમી અનુભવાઇ રહી છે જ્યારે સવારે અને સાંજથી તાપમાનમાં ઘટાડો અનુભવાઇ છે. રાજ્યમાં સરેરાશ તાપમાન ૧૪ ડિગ્રી નોંધાયુ છે. રવિવારે અમદાવાદનું તાપમાન ૧૩.૧ ડિગ્રી નોંધાયુ હતુ. આ સાથે જ નલિયાનું તાપમાન ૧૨ ડિગ્રી નોંધાયુ હતુ. રાજકોટ અને વડોદરામાં પણ તાપમાનનો પારો ૧૪ ડિગ્રીએ પહોંચ્યો હતો. જ્યારે રવિવારે કચ્છનાં તો આજે દ્વારકાનાં વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે પણ આ અંગે આગાહી કરતા જણાવ્યુ કે, ઠંડીનું પ્રમાણ ફેબ્રુઆરી સુધી રહેશે અને માર્ચથી તાપમાનમાં વધારો થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ફેબ્રુઆરીના અંતિમ ભાગથી ઠંડીનું પ્રમાણ ઘટતું જશે અને ગરમીનું જોર વધવાનું શરુ થશે. આજે દ્વારકા જિલ્લાનાં વાતાવરણમાં પલટો આવ્યો. ખંભાળિયા તેમજ ભાણવડ પંથકનાં ઘણા વિસ્તારોમાં સવારે ગાઢ ધુમ્મસનો કહેર જોવા મળ્યો છે.
ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી શૂન્ય થઈ છે. હાઈવે પર ગાઢ ધુમ્મસને લીધે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. દ્વારકામાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે પરંતુ જિલ્લામા ગાઢ ધુમ્મસે સફેદ ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ધુમ્મસના પગલે કચ્છમાં પણ ઠંડી સાવ નહીંવત થઇ જવા પામી હતી. રવિવારે કચ્છમાં સવારે ભારે ઝાકળ વર્ષાનાં પગલે ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર તેમજ લખપત તાલુકાના અનેક સ્થળોએ આહલાદક વાતાવરણ છવાયું હતું. હાઇવે તાથા શહેરોનાં રાજમાર્ગો ઉપર ધુમ્મસનાં પગલે વાહન ચાલકોને દુરના દ્રશ્યો નિહાળવામાં ભારે મુશ્કેલી પડી હતી. તેમજ ગાઢ ધુમ્મસની સાથોસાથ મોડી સવાર સુધી સુર્યદેવતાના દર્શન થયા ન હતા સવારે ૯ વાગ્યા બાદ ધુમ્મસ વિખેરાયુ હતુ.