ભચાઉના જય માતાજી ચોક સામેના કોમ્લેક્સમાં આવેલી દુકાનમાં રાત્રિના સમયે આગ, લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઇ ગયો
ભચાઉના જય માતાજી ચોક સામેના સુધરાઈ કોમ્લેક્સમાં આવેલી અંબિકા મોબાઇલ નામની દુકાનમાં રાત્રિના સમયે આગ લાગી ઉઠતા ભાગદોડ મચી હતી. આગમાં લાખો રૂપિયાની મોબાઈલ એસેસરીઝ બળીને ખાખ થઈ ગઈ હતી. આગનો બનાવ જેન્તીભાઈ સુથારની દુકનમાં બન્યો હતો. આ દરમિયાન લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. આગને કાબુમાં લેવા પાલિકાના ફાયર ફાઈટરને જાણ કરાઇ હતી પરંતુ મશીન ખરાબ હોતા પાણીના ટેન્કર દ્વારા સમયસર આગ પર કાબુ મેળવાયો હતો અન્યથા આસપાસની કતારબંધ દુકાનમાં પણ આગ ફેલાઈ જવાની સંભાવના હતી.
થર્ટી ફર્સ્ટની રાત્રે આગની ઘટના બનતા લોકોની ભીડ ઉમટી પડી હતી. ઘટનાના પગલે નગરસેવક ઉમિયાશંકર જોશી, સ્થાનિક જેન્તીભાઈ દરજી અને પોલીસ સહિતના લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી પરંતુ સંભવિત શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું તારણ જાણવા મળ્યું હતું. દુકાનમાં લાગેલા સીસીટીવી કેમરા સાથે કોમ્યુટર પણ બળીને ખાક થઈ ગયા હતા.