અમદાવાદ સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે કોર્ટ કમિશન રચવા HCની ચીમકી
સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી છોડવા મામલે હાઈકોર્ટમાં સુઓમોટો અરજી થઈ હતી. જેની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠે કોર્પોરેશનને કોર્ટ કમિશનની નિમણૂક કરી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. કોર્પોરેશન તરફથી દલીલ કરાઈ કે શાંતિગ્રામ રહેણાક વિસ્તાર નજીક પ્રદૂષિત પાણીના નિકાલ માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) બનાવવા દરખાસ્ત આવી છે. આ પ્લાન્ટ નાખવા માટે મંજૂરી આપી શકાય નહીં. ખુલ્લા મેદાનમાં તેનું પાણી નાખવામાં આવે તો આસપાસની સોસાયટીને નુકસાન થઈ શકે છે. ખેતીલાયક જમીનમાં પ્રદૂષિત પાણી વાળવામાં આવે તો જમીનને નુકસાન થઈ શકે છે. ખંડપીઠે અરજી કરવા ૨૧મી તારીખ સુધીનો સમય આપ્યો છે.
જીપીસીબીએ એવી દલીલ કરી કે શાંતિગ્રામ સોસાયટી પાસે ઇરિગેશન કેનાલ બનાવવા તેમના પાસે બે અરજી આવી છે. સોસાયટીના દૂષિત પાણીને સાબરમતીમાં છોડાતા પાઇપલાઇનને સીલ કરી દેવાઈ છે. તેથી નવો એસટીપી બનાવવા તેમણે મંજૂરી માંગી છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પાસે પણ શાંતિગ્રામે મંજૂરી માંગતી અરજી કરી છે. પરતું હાઇકોર્ટની અગાઉની ખંડપીઠના આદેશ મુજબ તેમને મંજૂરી આપી નથી.
ઉદ્યોગોને અગાઉની ખંડપીઠે પ્રદૂષિત પાણીનો નિકાલ નદીમાં નહીં કરવા આદેશ કર્યો છે. જોઈન્ટ ટાસ્ક ફોર્સ, કોર્પોરેશન, જીપીસીબીને પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોની પાણી-ગટર જોડાણ સીલ કરી દેવા આદેશ કર્યો છે. કોર્પોરેશને એવી દલીલ કરી હતી કે, ગાંધીનગર નજીક શાંતિગ્રામ સોસાયટી આવેલી છે તેની બાજુમાં એસટીપી બનાવાની દરખાસ્ત મંજૂર કરી શકાય નહીં. ઉદ્યોગો માટે જે નિયમો છે તે રહેણાક સોસાયટીને પણ લાગુ પડે છે.