સુરેન્દ્રનગરના બજાણાની સીમમાં નર્મદા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતો પાયમાલ
પાટડી તાલુકાનાં બજાણા ગામની સીમમાંથી પસાર થતી અને ખંડેર બનેલી નર્મદા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગેની વધુ વિગત મુજબ, પાટડીનાં બજાણા ગામની સીમમાં નર્મદા વિભાગ દ્વારા આશરે ૧૫ વર્ષ પહેલા માઈનોર કેનાલ બનાવવામાં આવી હતી.
આ કેનાલમાં આજદિન સુધી પાણી જ આવ્યું નથી. અને આ કેનાલ ખંડેર હાલતમાં જોવા મળી રહી છે. આ કેનાલ બિસ્માર હોવાથી આગળથી આવતું કેનાલનું પાણી ખેતરોની બાજુમાંથી વરસાદી પાણીના નિકાલ માટે કરવામાં આવેલી નેકમાં આવી રહ્યું છે. આ નેકમાંથી ખેડુતોએ વાવેલા કપાસનાં પાકમાં પાણી ફરી વળતા ખેડુતોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ખેડૂતો કહે છે કે, આ કેનાલ સાફ કરવા અને ફરી ચાલુ કરવા અનેકવાર લેખીત-મૌખીક રજુઆત કરી છે, છતાં તંત્ર દ્વારા આજદિન સુધી આ કેનાલનું કાંઈ જ કામ કરવામાં ન આવતા ખેતરમાં ફરી વળેલા પાણીથી કપાસનો ઉભો પાક બળી જવાની ભીતિ સેવાઈ રહી છે. અત્રે નોંધનીય છે કે, પાટડી તાલુકામાં અનેક જગ્યાએ કેનાલોની સફાઈ કરવામાં આવી નથી. તેમજ કેટલીક જગ્યાએ કેનાલોમાં પાણી આવ્યા પહેલા જ કેનાલો તુટી ગઈ છે. પાટડી તાલુકાનાં ખેડૂતોએ આ અંગે તંત્રને વારંવાર રજૂઆત કરી છે છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.