જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા ઈમામખાનાનું ગેરકાયદે બાંધકામ મનપાએ દૂર કર્યું
જામનગર નવાગામ ઘેડમાં સરકારી જમીનમાં ઈમામખાનના ગેરકાયદે ચાલતા બાંધકામને આજે મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. જામનગરના નવાગામ ઘેડ જાસોલિયા સોસાયટીમાં સરકારી જમીન એટલે કે જાહેર રોડ ઉપર ઈમામખાનાનું ગેરકાયદે બાંધકામ શરૃ કરવામાં આવ્યું હતું. આ અંગેની ફરિયાદ મળતા મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ચારેક દિવસ પહેલા નોટીસ પાઠવાઈ હતી અને સ્વેચ્છાએ બાંધકામ દૂર કરવા અન્યથા તોડી પાડવાની નોટીસ અપાઈ હતી.
મનપાની નોટિસ બાદ પણ બાંધકામ ચાલુ રહેતા પોલીસ બંદોબસ્ત વચ્ચે મહાનગરપાલિકાની એસ્ટેટશાખાની ટીમ દ્વારા ઈમામખાનાના બાંધકામને તોડી પાડી આશરે ૩૦૦ ફૂટ જગ્યા ખાલી કરાવાઈ હતી. એસ્ટેટ શાખાના દિક્ષિતભાઈ, રાજભા ચાવડા, સુનિલ ભાનુશાળી સહિતની ટીમની દેખરેખ હેઠળ આજે આ પાડતોડ કામગીરી હાથ ધરવામાં આવી હતી.