ભાવનગરના નારી ગામમાં વૃક્ષોના જતન માટે શિક્ષણમંત્રીએ ૫ લાખના પાંજરા આપવાની જાહેરાત કરી
શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી સવારે નારી ગામ ખાતે સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ, રાજકોટ તથા સમસ્ત નારી ગામ સમાજ દ્વારા ’વૃક્ષારોપણ સમારોહનું વટવૃક્ષ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. બદલાતા પર્યાવરણ સાથે પ્રકૃતિનું જતન કરવું ખૂબ જ જરૂરી બની ગયું છે. ભવિષ્યની પેઢીને સુંદર અને સ્વચ્છ વાતાવરણ આપવા માટે આજથી જ પ્રકૃતિના જતન-સંવર્ધન માટે કટિબદ્ધ થવાની જરૂરિયાત તેમને સમજાવી હતી.
નારી ગામના લોકોએ સદભાવના ટ્રસ્ટના સહકારથી વૃક્ષોના ઉછેરનું જે કાર્ય હાથ ધર્યું છે તેને ધ્યાનમાં લઈને શિક્ષણ મંત્રીએ નારી ગામને વૃક્ષોના જતન-સંવર્ધન માટે રૂ.૫ લાખના વૃક્ષોના રક્ષણ માટેના પાંજરા આપવા માટેની પણ જાહેરાત આ તકે કરી હતી. તેનું મહાત્મા પારખીને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં ક્લાયમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટની સ્થાપના કરી હતી. આજે ઋતુ પર્યાવરણ બદલાયું છે તેની પાછળ પ્રકૃતિનું દોહન છે. આપણી સંસ્કૃતિમાં કહેવાયું છે કે, ‘છોડમાં રણછોડ’ એટલે કે છોડમાં પણ જીવ છે. તે ઈશ્વરનું સ્વરૂપ છે. ત્યારે આપણાં શાસ્ત્રોમાં વૃક્ષોને પૂજનીય ગણવામાં આવ્યાં છે. ત્યારે આજે નારી ગામમાં ૧૬૦૦ વૃક્ષોના વાવેતર દ્વારા પ્રકૃતિના જતનનું એક અદભૂત કાર્ય થયું છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. નારી ગામમાં આ અગાઉ પણ અનેક પ્રકલ્પો આપ્યાં છે.
નારી ગામના તળાવને ઊંડું કરીને સુંદર બનાવવામાં આવ્યું છે. નારી ગામના જ લોકો નારી ગામમાં મોક્ષ મંદિરને રળિયામણું બનાવવાં પ્રયત્ન કરી રહ્યાં છે તેનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, મોક્ષ મંદિરમાં ૬૮ તિર્થોમાં દર્શન થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવનાર છે ત્યારે લાગે છે કે, એક સમયે નારી ગામ પ્રવાસનનું મહત્વનું કેન્દ્ર બની રહેશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. કુદરતે જીવસૃષ્ટિનું અદભૂત સર્જન કર્યું છે. જેને લઈને પ્રકૃતિ અને મનુષ્ય એકબીજા પર ર્નિભર રહીને એકબીજાના ટેકે ઉભાં છે. તેમણે દરેક વ્યક્તિને પોતાના જન્મદિવસે બે વૃક્ષો વાવવા તથા નારી ગામના શાળાના બાળકોને દરરોજ એક ડોલ પાણી વૃક્ષને નાંખે તેવો સંકલ્પ લેવા માટે આહવાન પણ કર્યું હતું. વૃક્ષોને વાંચા નથી. પરંતુ મનુષ્યને વાચા છે અને વાંચાને લીધે જ વિચાર છે. આજે નારી ગામના લોકોને પ્રકૃતિના સંરક્ષણનો જે સારો વિચાર આવ્યો છે તે માટે તેમણે અભિનંદન પણ પાઠવ્યાં હતાં. નારી ગામમાં અનેક વિકાસના કાર્યો હાથ ધરવામાં આવ્યાં છે. છતાં, પણ હજુ સમસ્યાઓ હશે તો સાથે મળીને સકારાત્મક રીતે તેનો ઉકેલ લાવીશું. વૃક્ષએ વાતાવરણમાં રહેલ કાર્બન ડાયોક્સાઇડ સોશીને પ્રાણવાયું ઓક્સિજન આપે છે. નારી ગામમાં આ ઐતિહાસિક કામ થયું છે અને તે અજરાઅમર સુધી યાદ રહેશે. આ તકે મેયર કીર્તિબાળા દાણીધારિયા, સદભાવના ટ્રસ્ટનાં ટ્રસ્ટી સહિત વિસ્તારનાં કોર્પોરેટરઓ, નારી ગામનાં આગેવાનો જોડાયાં હતાં.