ભચાઉના નવી ભચાઉ વિસ્તારમાં આવેલી સરસ્વતી સોસાયટીના એક મકાનમાં ફ્રીજ શોર્ટ સર્કિટ થતા આગ લાગી
ભચાઉના નવી ભચાઉ વિસ્તારમાં આવેલી સરસ્વતી સોસાયટીના એક મકાનમાં ઉપરના માળે આવેલા રસોડામાં રહેલા ફ્રીજમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ફાટી નીકળી હતી. સંભવિત હાઈ વોલ્ટેજ વીજ પ્રવાહના કારણે ફ્રીજ બળી જતા તેમાં શોર્ટ સર્કિટ થતા આગ મકાનમાં ફેલાઈ ગઈ હતી.
સદભાગ્યે પરિવારના સભ્યો નીચેના ઘરે હોવાથી કોઈને ઇજા પહોંચી નથી. પરંતુ આગના કારણે ઘરના ફર્નિચર અને કપડાં સહિતની સામગ્રી બળી જતા નુકશાન થયું હતું. ભચાઉની સરસ્વતી સોસાયટીના મકાનમાં બે માળના મકાનના ઉપરના માળે હાઈ વોલ્ટેજ થતા ફ્રીજમાં શોર્ટ સર્કિટ થયું હતું. જેને લઈ આગ લાગી ઉઠી હતી.
આગના ધુમાડા આસપાસના લોકોને જોવા મળતા આગની ઘટના સામે આવી હતી. જેની જાણ સુધરાઈને કરવામાં આવતા ફાયર ફાઇટર વાહન બંધ હોવાથી ફાયરમેન પ્રવીણ દાફડા અને કુલદીપ ગંઢેર ફાયર સેફટી બોટલ સાથે પહોંચી જઇ પડોશીઓ સાથે આગ બુઝાવવા મદદરૂપ બન્યા હતા. સદભાગ્યે આ ઘટનામાં કોઈને ઇજા પહોંચી નહોતી.