રાજકોટમાં ધુમ્મસને કારણે મુંબઈની ફ્લાઈટ રદ
વાતાવરણમાં બદલાવ સાથે ગાઢ ધુમ્મસનાં પગલે રાજકોટ એરપોર્ટની વિઝિબિલિટી ઘટતા હવાઈ સેવા પર આજે સતત બીજા દિવસે અસર પહોંચી છે. બુધવારે પણ એર ઇન્ડિયાની સવારે ૬.૩૦ વાગ્યાની ડેઇલી ફ્લાઈટ મુંબઈ-રાજકોટ-મુંબઈ ફલાઈટ કેન્સલ થતા મુસાફરોને સાંજની ફ્લાઈટમાં જવા માટે કંપનીએ સુવિધા પૂરી પાડી છે.
ગાઢ ધુમ્મસના કારણે સવારની એર ઇન્ડિયાની એઆઈસી ૬૦૧/૬૦૨ રાજકોટ-મુંબઈ-રાજકોટ ફ્લાઈટ કેન્સલ થઇ હતી. જ્યારે સ્પાઈસ જેટની એસઇજે ૩૭૦૧/૩૭૦૩ દિલ્હી-રાજકોટ-દિલ્હી અને ઇન્ડિગોની આઈજીઓ ૧૮૪/૬૦૪૨ દિલ્હી-રાજકોટ-દિલ્હી એક-એક કલાક મોડી કરવામાં આવી હોવાનું એરપોર્ટ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.ગાઢ ધુમ્મસનાં પગલે રાજકોટ એરપોર્ટની હવાઈ સેવા પર અસર પહોંચી હતી અને સવારની ૪ ફ્લાઈટ બપોર સુધી લેન્ડ થઇ શકી નહોતી. બુધવારે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાતા હવાઈ સેવાને અસર પડી છે. સતત બીજા દિવસે મુંબઈની ફ્લાઈટ કેન્સલ થઇ છે.