સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: પૂર્વ પર્યાવરણ મંજૂરી વિના શરૂ થયેલા પ્રોજેક્ટોને હવે નહીં મળે ‘એક્સ પોસ્ટ ફેક્ટો’ EC, 2021નું MoEFCCનું ઓફિસ મેમોરેન્ડમ રદ
Vanashakti સહિતની અરજીઓમાં કેન્દ્ર સરકારને ઝટકો; EIA-2006 હેઠળ અગાઉથી પર્યાવરણ મંજૂરી લેવી ફરજિયાત હોવાનું પુનઃસ્પષ્ટ, નવા કેસોમાં બાદમાં મંજૂરી આપવાનો રસ્તો બંધ, અગાઉ અપાયેલી મંજૂરીઓ હાલ યથાવત
નવી દિલ્હી: દેશના પર્યાવરણ કાયદાના અમલીકરણને વધુ મજબૂત બનાવતા અને પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં દૂરગામી અસર પેદા કરે તેવા એક ઐતિહાસિક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય (MoEFCC) દ્વારા 7 જુલાઈ, 2021ના રોજ બહાર પાડવામાં આવેલા Office Memorandum (OM)ને કાયદાની વિરૂદ્ધ ગણાવી રદબાતલ જાહેર કર્યો છે. આ ઓફિસ મેમોરેન્ડમ હેઠળ પૂર્વ પર્યાવરણ મંજૂરી (Prior Environmental Clearance) લીધા વિના શરૂ કરાયેલા પ્રોજેક્ટોને પાછળથી એટલે કે Ex Post Facto Environmental Clearance (EC) આપવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.
આ મહત્વપૂર્ણ ચુકાદો Vanashakti & Others vs. Union of India & Others [Writ Petition (Civil) No. 1394 of 2023 તથા સંલગ્ન અરજીઓ]માં આપવામાં આવ્યો છે. Vanashakti, Ajay Jajodia, One Earth One Life સહિતના અરજદારોએ દલીલ કરી હતી કે Environmental Impact Assessment (EIA) Notification, 2006 હેઠળ અગાઉથી પર્યાવરણ મંજૂરી મેળવવાની ફરજિયાત જોગવાઈને વહીવટી આદેશ દ્વારા નબળી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ, 1986ની ભાવના તેમજ બંધારણીય સિદ્ધાંતો વિરૂદ્ધ છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ Surya Kantની અધ્યક્ષતાવાળી ખંડપીઠ, જેમાં ન્યાયમૂર્તિ Joymalya Bagchi અને Vipul M. Pancholiનો સમાવેશ થતો હતો, તેણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે EIA Notification, 2006 હેઠળ કોઈપણ પ્રોજેક્ટ શરૂ કરતાં પહેલાં પર્યાવરણ મંજૂરી મેળવવી ફરજિયાત છે અને માત્ર એક Office Memorandum દ્વારા આ કાયદાકીય જોગવાઈમાં ફેરફાર કરી શકાય નહીં. કોર્ટે જણાવ્યું કે 2021નું OM પ્રતિનિધિ કાયદાકીય જોગવાઈ (Delegated Legislation)ને માત્ર વહીવટી સૂચના દ્વારા બદલવાનો પ્રયાસ હતો, જે કાયદાની દૃષ્ટિએ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.
સુપ્રીમ કોર્ટે 2021ના Office Memorandumને Prospective Effectથી રદ કરતાં સ્પષ્ટ કર્યું કે હવે પછી પૂર્વ પર્યાવરણ મંજૂરી લીધા વિના શરૂ થયેલા કોઈપણ નવા પ્રોજેક્ટને Ex Post Facto Environmental Clearance આપવા માટે કોઈ નવી અરજી સ્વીકારવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારને પણ ભવિષ્યમાં માત્ર વહીવટી આદેશના આધારે આવી કોઈ વ્યવસ્થા ઉભી કરવાથી રોકવામાં આવી છે. જો સરકારને આવા કોઈ વિશેષ સંજોગોમાં રાહત આપવી હોય તો તે માટે કાયદાકીય પ્રક્રિયા અનુસરી યોગ્ય નોટિફિકેશન બહાર પાડવું પડશે.
કોર્ટે સાથે જ સ્પષ્ટતા કરી છે કે 14 માર્ચ, 2017ની નોટિફિકેશન અને 7 જુલાઈ, 2021ના Office Memorandum હેઠળ અત્યાર સુધી આપવામાં આવેલી પર્યાવરણ મંજૂરીઓ આપમેળે રદ થશે નહીં. આવી તમામ મંજૂરીઓ હાલ માટે યથાવત્ રહેશે, જો કે કોઈ વ્યક્તિ અથવા સંસ્થા દ્વારા તેના ગુણદોષના આધારે અલગથી કાનૂની પડકાર કરવામાં આવ્યો હોય તો તે અલગ બાબત રહેશે. આ ઉપરાંત હાલ પેન્ડિંગ રહેલી અરજીઓનો પણ કાયદા મુજબ અંતિમ નિર્ણય લેવામાં આવશે. માત્ર અગાઉના સ્ટે ઓર્ડર અથવા Vanashakti-Iના ચુકાદાના આધારે નામંજૂર, પરત કરાયેલી અથવા ડિલિસ્ટ કરાયેલી અરજીઓ પર પણ સંબંધિત સત્તાધિકારીઓ ફરીથી વિચાર કરી શકશે.
ચુકાદામાં સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે 2021નું Office Memorandum હકીકતમાં એક “Perpetual Amnesty Scheme” એટલે કે કાયમી માફી યોજના બની ગયું હતું, જેના કારણે પૂર્વ પર્યાવરણ મંજૂરી લીધા વિના પ્રોજેક્ટ શરૂ કરનારાઓને સતત કાયદાકીય રાહત મળતી રહી હોત. કોર્ટે જણાવ્યું કે આવી વ્યવસ્થા પર્યાવરણ કાયદાના Precautionary Principle અને Sustainable Development જેવા મૂળભૂત સિદ્ધાંતોને ગંભીર રીતે નબળા પાડે છે અને પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ, 1986ના હેતુ સાથે સુસંગત નથી.
કોર્ટે પોતાના ચુકાદામાં એક મહત્વપૂર્ણ અવલોકન પણ કર્યું છે કે Jan Vishwas Act, 2023 દ્વારા કેટલાક નિયમનકારી ભંગોને ગુનાહિત શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યા હોવા છતાં કેન્દ્ર સરકારને પર્યાવરણ સંરક્ષણ અધિનિયમની કલમ-3 હેઠળ યોગ્ય નોટિફિકેશન દ્વારા જાહેર હિતને ધ્યાનમાં રાખી મર્યાદિત અને કાયદેસર રાહત યોજના ઘડવાની સત્તા છે. પરંતુ આવી કોઈ યોજના માત્ર Office Memorandum જેવા વહીવટી આદેશ દ્વારા અમલમાં મૂકી શકાય નહીં.










