JDPAના હોદ્દેદારોને હાઇકોર્ટમાં પ્રદૂષણ અંગે પીઆઈએલ કરવાની ધમકી આપી 11 લાખ પડાવનાર બે આરોપીઓ ઝડપાયા
રાજકોટઃ જેતુપર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના હોદ્દેદારો પાસેથી પ્રદૂષણ નામે હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરવાની ધમકી આપનાર વકીલ સહિત બે આરોપીઓની જેતપુર શહેર પોલીસે ધરપકડ કરી છે. આ કિસ્સામાં બે આરોપીઓએ જેતપુર જેતુપર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના હોદ્દેદારા પાસેથી 11 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જે બાદ પણ અવારનવાર ધમકી આપી વધુ રૂપિયાની માંગણી કરવામાં આવતા જેતપુર શહેર ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી,
વિગત પ્રમાણે જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના હોદ્દેદારો દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે. આ બાબતે તેઓની સામે હાઇકોર્ટમાં ખોટી પીઆઈએલ દાખલ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે જેતુપરના બાવા પીપળીયા ગામના ગોવિંદભાઈ કાનજીભાઈ ધડુક અને સરગાસણમાં રહેતા અને વકીલ રજનીકાંતભાઈ હરેશભાઈ ચૌહાણ દ્વારા પ્રદૂષણ ફેલાવવાની બાબતે હાઇકોર્ટમાં ખોટી પીઆઇએલ દાખલ કરવાની ધમકીઓ આપી 11 લાખ રૂપિયા પડાવ્યા હતા. ત્યારબાદ પણ આ હોદ્દેદારોને ફોન કરી અવારનવાર ધમકીઓ આપી વધુ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આ અંગે એસોસિએશનના સેક્રેટરી ચેતનભાઈ જોગી દ્વારા જેતપુર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસ દ્વારા ઉપરોક્ત બન્ને ઇસમોની શોધખોળ આદરી હતી.
પોલીસ દ્વારા ટીમ બનાવી ફૂલ વોચ રાખી ઉપરોક્ત ગુનાના બન્ને આરોપીઓને ઝડપી પાડી કોર્ટમાંથી બે દિવસની રિમાન્ડ મેળવ્યા છે. આ બન્ને આરોપીઓ પાસેથી પોલીસે રોકડા 9.46 લાખ રૂપિયા, આ રૂપિયાથી ખરીદેલ રૂ. 1.40 લાખનો મોબાઈલ ફોન અને ગુન્હામાં વપરાયેલ રૂ. 7 લાખની કાર અને 10,000ની કિંમતનો અન્ય મોબાઇલ ફોન મળી કુલ રૂ.17.96 લાખ રૂપિયા કબજે કરવામાં આવ્યા છે.