કંડલામાં બનેલી ઘટનામાં સેફટી ઈન્સ્પેક્ટર તેમજ કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ માનવવધનો ગુનો દાખલ કરવો જોઈએઃ મજદુર અધિકાર મંચ
ભુજનાં ભચાઉ તાલુકામાં જ બે વર્ષમાં ૨૭ શ્રમજીવીનો અકસ્માતનાં કારણે મૃત્યું થયાં
ભુજ: કચ્છ જિલ્લામાં વિનાશક ભૂકંપ બાદ અનેક નાની મોટી કંપનીઓ કાર્યરત થવા પામી હતી તેની સામે દરરોજ અકસ્માતની ઘટનાઓ પણ વધી છે જેનું મુખ્ય કારણ સેફટીનો અભાવ જોવા મળે છે. ક્યાકને ક્યાક કંપનીના જવાબદારો અને તંત્રની મિલીભગતથી નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તે એક હકીકત છે. થોડા સમય પૂર્વે મુન્દ્રા તાલુકાના વડાલા નજીક લોખંડના સળીયા બનાવતી કંપનીમાં લોખંડનો માંચડો ઉચાઈએથી તુટી પડતા ૧૮ શ્રમજીવી ઘાયલ થયા હતા. જ્યારે એકનું મોત નિપજ્યું હતું. આ પૂર્વે પણ દુધઈ હાઈવે પર પ્રવાહી ઉડતા ઘટના બનવા પામી હતી, જ્યારે ગત રાત્રીના કંડલામાં આવેલી ઈમામી એગ્રોટેક કંપનીમાં કેમિકલના ટાંકા નજીક ગુંગળામણથી સુપરવાઈઝર સહિત પાંચ વ્યક્તિઓએ દમ તોડી દીધો હતો.
મજદુર અધિકાર મંચના જનરલ સેક્રેટરી નિલ વિજાડાના જણાવ્યા પ્રમાણે છેલ્લા બે વર્ષમાં ભચાઉ નજીક આવેલી કંપનીઓમાં સત્યાવીસ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા, પોલીસ ચોપડે આ બનાવોમાં અકસ્માત મોત દર્શાવવામાં આવે છે, ત્યારે ક્યાકને ક્યાક કંપનીના જવાબદારોની ભુંડી ભૂમિકા સાબિત થાય છે. કંડલામાં બનેલી ઘટનામાં સેફટી ઈન્સ્પેક્ટર તેમજ કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ માનવવધનો ગુનો દાખલ કરવો જોઈએ સાથે સાથે હતભાગીના પરિવારને યોગ્ય વળતર મળે તે જરૂરી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મોટાભાગની કંપનીઓમાં શ્રમજીવીઓને હેલ્મેટ કે બૂટ અપાતા નથી, સલામતીના સાધનો જાવા મળતા નથી, સેફટી ઈન્સ્પેક્ટર સરપ્રાઈઝ વિઝીટ કેમ લેતા નથી તે એક પ્રશ્ન ઉભો થવા પામ્યો છે જ્યારે ઘટના બને ત્યારે સેફટીના માત્ર દેખાડા કરવામાં આવે છે તે પણ એક હકીકત છે.
જિલ્લાનું તંત્ર કંપનીઓમાં ફરજ બજાવતા શ્રમજીવીઓની સલામતી મુદ્દે ગંભીર નથી તે એક લોકમુખે પ્રશ્ન ઉભો થયો છે. મોટાભાગના કોન્ટ્રાક્ટરોને કંપનીમાંથી શ્રમજીવીઓ માટે પુરતી રકમ અપાય છે પણ કોન્ટ્રાક્ટરો રૂપિયા મેળવવાની લ્હાયમાં સલામતીના સાધનો પણ આપતા નથી તે દરેક વખતે તપાસમાં નિકળ્યું છે. સબ સલામતના દાવાઓ કરતુ આ ભ્રષ્ટાચારી તંત્ર લોકોની સલામતીને કેમ સમજતુ નથી, આજે નિર્દોષ વ્યક્તિઓ જીવ ગુમાવી રહ્યા છે. આ શ્રમજીવીના મોતની શુ કોઈ કિમત નથી, ખરેખર તો આવી ઘટનાઓમાં માત્ર ફરીયાદ નહીં પણ એકમ જ બંધ કરાવવું જાઈએ તો જ ધાક બેસાડતી કામગીરી થઈ શકશે.