વડોદરાઃ પાદરાના દુધવાડા ગ્રામજનો સામે કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીથી સ્વાસ્થ્યનું જોખમ, જાગૃત નાગરિકે અવાજ ઉઠાવતા અપાઇ ધમકી

  • દુધવાડા ગામમાં આવેલી બોદાલ ડાયઝ કંપની દ્વારા વરસાદના પાણીની આડમાં અવારનવાર કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યાનો આક્ષેપ
  • ભૂગર્ભજળ, જમીન, લોકોના સ્વાસ્થ્ય, પશુ-પક્ષીઓ, વૃક્ષો સહિત પ્રકૃતિને થતા નુક્શાન સામે ક્યાં સુધી આંખ આડા કાન કરવામાં આવશે?
  • જળ સંચય અભિયાન અને એક પેડ મા કે નામ જેવા અભિયાનોનો ઉડાવાઈ રહ્યો છે છેદ?
  • પ્રદૂષણને લઈને લોકો જાગૃત પણ વડી કચેરીમાં બેઠેલા પદાધિકારીઓ શા માટે નથી લઇ રહ્યાં એક્શન?
  • અંતે તો નુક્શાન પર્યાવરણનું થઈ રહ્યું છે, કોને પડેલી છે?

વડોદરાઃ ચોમાસાનો વરસાદ સમગ્ર વાતાવરણમાં તાજગી ભરી દે છે, પ્રકૃતિ તેની સોળે કલાએ ખીલી ઉઠે છે, લોકોમાં તાજગીનો સંચાર થાય છે. આ અનુભૂતિ થવી તે સામાન્ય લોકો માટે હોય છે, પરંતુ કેટલાંક લોકો માટે તો આ વરસાદ પ્રદૂષણ ફેલાવવાની તક બની જતો હોય છે. વડોદરાના પાદરાના દુધવાડા ગામનો આવો જ એક વિડિયો વાઇરલ થયો છે. જે વિડિયો એ વાતની સાક્ષી પૂરે છે કે આ પ્રદૂષણ માફિયાઓને પ્રકૃતિની કોઇ પડી નથી.

પ્રાપ્ત વિગત મુજબ, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના દુધવાડા ગામની સ્થિતિ સ્થાનિક સ્તરે ફેલાવવામાં આવી રહેલા જળ પ્રદૂષણથી ખૂબ જ ગંભીર દેખાઈ રહી છે. દુધવાડા ગામના તળાવ અને વનમાં સ્થાનિક કંપની દ્વારા કેમિક્લયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પ્રદૂષિત પાણી સ્થાનિકોના સ્વાસ્થ્ય સહિત સમગ્ર પ્રકૃતિને ગંભીર નુક્શાન પહોંચાડી શકે છે.

આ ગંભીર સમસ્યા સામે ગામના જાગૃત નાગરિક નિકુંજ પટેલ દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે, તેઓ છેલ્લા પાંચ વર્ષથી લડત આપી રહ્યાં છે અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગર સુધી દુધવાડા ગામે થઈ રહેલા પ્રદૂષણ અંગેની રજૂઆત કરી છે, તેમ છતાં વડી કચેરી ખાતેથી કોઈ પણ નક્કર પગલા લેવામાં આવી રહ્યાં ન હોવાનું નિકુંજ પટેલ જણાવી રહ્યાં છે.

આ વિશે વાત કરતા દુધવાડા ગામના નિકુંજ પટેલ જણાવ્યું હતુ કે દુધવાડા ગામમાં આવેલી બોદાલ ડાયઝ કંપની દ્વારા વરસાદના પાણીની આડમાં અવારનવાર કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી ગામના તાળવમાં છોડવામાં આવે છે. આ તળાવમાં રિચાર્જ કુવા બનાવવામાં આવ્યો છે, જેના માધ્યમથી કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી જમીનની અંદર ઉતરે છે. જેથી ભૂગર્ભ જળને નુક્શાન પહોંચાડી રહ્યું છે. આ બાબતને વાંરવાર ગાંધીનગર જીપીસીબીને ફરિયાદ કરી ધ્યાને લાવવામાં આવી હોવા છતાં, કોઈ નક્કર પગલા લેવામાં આવી રહ્યાં નથી. પરંતુ, તેની સામે પ્રદૂષણની સમસ્યા વણસી રહી છે. જે દુધવાડા ગામના લોકો માટે ખૂબ જ ગંભીર બાબત છે.

નિકુંજ પટેલે વધુમાં જણાવ્યું હતુ કે છેલ્લા થોડા દિવસથી વરસાદ પડતો ન હોવાથી હાલ આ પ્રદૂષિત પાણીના નિકાલ માટે કંપની દ્વારા અન્ય કિમિયો અજમાવ્યો છે. કંપનીથી થોડે દૂર તેની પોતાની અન્ય એક કંપની આવેલી છે, જેના પાર્કિંગ સ્થળે એક મોટો ખાડો આવેલો છે. આ ખાડામાં કંપની દ્વારા મધ્યરાત્રિના સમયે કોઇપણ રીતે કંપનીનું પ્રદૂષિત પાણી ઠાલવવામાં આવે છે. આ ખાડમાંથી આ પ્રદૂષિત પાણી કંપનીમાં જવાનો રોડ છે, તેની નીચે નાખેલા પાઈપના માધ્યમથી ગામની નળી એટલે કે ખેતરમાં જવાના રસ્તેથી વહાવવામાં આવી રહ્યું છે. આ નળી ગામને હરિયાળું બનાવવામાં માટે એક વનનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યાં જઈ રહ્યું છે. આ જ વનમાં ગામલોકોના દૈનિક વપરાશ માટેનો ટ્યબૂવેલ બનાવવામાં આવ્યો છે. આ ટ્યૂબવેલનું પાણી ઘર વપરાશથી લઈને પીવાના પાણી તરીકે ગ્રામજનોને વિતરિત કરવામાં આવે છે. કંપની દ્વારા છોડવામાં આવતુ પાણી આ રીતે લોકોના ઘર સુધી પહોંચે છે અને અનેક ગંભીર બિમારીઓને આમંત્રણ આપી લોકોના સ્વાસ્થ્ય માટે જોખમકારક બની રહ્યું છે.

પોતાની આ લડત બાબતે કંપની દ્વારા તેમને ધમકી આપવામાં આવી રહી છે, તેમ જણાવતા નિકુંજ પટેલે જણાવ્યું હતુ કે મારી લડત ગામમાં ફેલાવવામાં આવી રહેલા જળ પ્રદૂષણ સામે છે. આ પાણી રિચાર્જ કુવામાં જતા પાણીના સ્તર ઉંચા આવતા ખેતીમાં પણ વપરાઇ રહ્યું છે. તેથી ખેતીને નુક્શાન થઇ રહ્યું છે. ગામના નિર્માણ પામેલા વનમાં પણ જઈ રહ્યું છે, તેથી પ્રકૃતિને પણ પારાવાર નુક્શાન થઇ રહ્યું છે અને અત્યંત મહત્વનું છે કે ગામના ટ્યૂબવેલ થકી ગામના ઘરેઘરે પહોંચતા પ્રદૂષિત પાણીથી અનેક ગંભીર બિમારીઓ થવાની સંભાવના છે. જેને નકારી શકાય નહીં. મારી લડત આ પ્રદૂષણને ફેલાવાતું અટકી જાય એટલે પૂરી થઈ જાય છે. પરંતુ, અનેક રજૂઆતો છતાં પણ જીપીસીબી દ્વારા કોઈ પરિણામ લાવવામાં આવી રહ્યું નથી, જે ખરેખર અમારા ગામમાં વિનાશ નોતરી શકે છે.

| વડોદરાઃ પાદરાના દુધવાડા ગ્રામજનો સામે કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીથી સ્વાસ્થ્યનું જોખમ, જાગૃત નાગરિકે અવાજ ઉઠાવતા અપાઇ ધમકી વડોદરાઃ ચોમાસાનો… | Instagram

ઉલ્લેખનીય છે કે, ભૂગર્ભજળના સ્તરમાં વધારો લાવવા માટે જળ સંચય માટેનું રાજ્યવ્યાપી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, પ્રકૃતિને બચાવવા માટે દેશના વડાપ્રધાન દ્વારા એક પેડ માં કે નામ જેવા પ્રયાસો દેશવ્યાપી હાથ ધરાઈ રહ્યાં છે. આ પ્રકારનું પ્રદૂષિત કેમિકલયુક્ત જોખમી પાણી જ્યારે ખેતી વપરાશમાં જાય છે, તેની અસર જમીન પર પડે છે, જમીન લાંબા ગાળે બિનઉપજાવ બની જાય છે, તેની ફળદ્રુપતા ઘટી જાય છે, તેની પેદાશમાં રહેલા પોષક તત્વો ઘટી જાય છે. આ પાણીથી જળચરથી લઇને પાલતુ પ્રાણીઓને પણ સ્વાસ્થ્ય બાબતે આડઅસરો થાય છે, ત્યારે આવા જાગૃત નાગરિકની વાત સાંભળી પર્યાવરણને નુક્શાન પહોંચાડતા બેફામ-અસામાજિક તત્વો સામે પગલા લે તેવા અધિકારીઓ ઘોર નિંદ્રામાંથી ક્યારે જાગશે તેવો પ્રશ્ન અહીં ઉપસ્થિત થઇ રહ્યો છે. જોકે, જીપીસીબીની સ્થાનિક ટીમ ઘટના સ્થળે આજે પહોંચી હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઇ રહી છે, પરંતુ અહીં પ્રશ્ન નક્કર પગલા ભરી પ્રદૂષણને અટકાવવાનો છે, જેથી પ્રકૃતિને થતા નુક્શાનને અટકાવી આગામી પેઢીના ભાવિને ઉજ્જવળ બનાવી શકાય.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news