ચિલીના જંગલોમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 131 થયો
સેન્ટિયાગો: ચિલીના વાલપારાઈસો ક્ષેત્રમાં જંગલમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 131 થઈ ગયો છે.
દેશની લીગલ મેડિકલ સર્વિસ (SML) એ મંગળવારે આ જાણકારી આપી.
એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મૃતકોમાંથી 35ની ઓળખ કરવામાં આવી છે, જ્યારે તબીબી અને તકનીકી ટીમોએ 82 શબપરીક્ષણ કર્યા છે. આઠ મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.
“SML આ દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારો પ્રત્યે તેની સંવેદનાનો પુનરોચ્ચાર કરે છે અને અસરગ્રસ્તોને તાત્કાલિક પ્રતિસાદ આપવા માટે શક્ય તેટલી ઝડપથી કાર્ય કરવાનું ચાલુ રાખવાની તેની પ્રતિબદ્ધતા જાળવી રાખે છે,” એજન્સીએ જણાવ્યું હતું.
ગત શુક્રવારથી વિવિધ કારણોસર જંગલમાં લાગેલી આગ હજુ પણ યથાવત છે. આગને કારણે વાલપરાઈસો પ્રદેશમાં વિવિધ સ્થળોએ 9,700 હેક્ટરથી વધુ જમીન બળી ગઈ છે.