ગુજરાતની કુલ ૧૭૦ શહેરી સ્થાનિક સંસ્થાઓમાં ઉત્પન્ન થતાં ઘન કચરાથી અંદાજે ૧૦૦ મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વાઈબ્રન્ટ ગુજરાતના વિચારબીજને સ્વચ્છ ભારત અભિયાન દ્વારા અનન્ય પ્રોત્સાહન સાંપડ્યું છે. પર્યાવરણની જાળવણી માટે ‘વેસ્ટ ટુ એનર્જી’ ટેક્નોલોજીને વેગ આપવા માટે રાજ્ય સરકારે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ (એમએસડબ્લ્યુ)ના રિન્યુએબલ એનર્જીના સ્ત્રોતના સંભવિત ઉપયોગને ધ્યાનમાં રાખીને વેસ્ટ ટુ એનર્જી પોલિસીનો અમલ શરૂ કર્યો છે. ગુજરાતમાં આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને ૧૬૨ નગરપાલિકાઓ છે. આ કુલ ૧૭૦ શહેરી સ્થાનિક સંસ્થાઓ (ULB) છે અને આ શહેરી વિસ્તારોમાં ઉત્પન્ન થતો ઘન કચરાથી લગભગ ૧૦૦ મેગાવોટ ક્ષમતા ઉત્પન્ન કરી શકાય તેમ છે.
ભારતે ૨૦૩૦ સુધીમાં તેના જીડીપીમાં ઉત્સર્જનની તીવ્રતા ૪૫ ટકા ઘટાડવા અને ૨૦૩૦ સુધીમાં બિન-અશ્મિભૂત ઇંધણ આધારિત ઊર્જા સંશાધનોમાંથી લગભગ ૫૦ ટકા સંચિત ઇલેક્ટ્રિક પાવર ઇન્સ્ટોલ ક્ષમતા પ્રાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છે. ભારતના હાલના NOC માટે COP-૨૬માં જાહેર કરાયેલા ‘પંચામૃત’ના વિચારને સાકારને કરવા અમલી કરે છે. વર્ષ ૨૦૭૦ સુધીમાં નેટ-શૂન્ય સુધી પહોંચવાના ભારતના લાંબા ગાળાના લક્ષ્યને હાંસલ કરવાની દિશામાં પણ આ અપડેટ એક પગલું છે.
ઊર્જાની વધતી જતી માંગને પહોંચી વળવા, ટકાઉ ઊર્જા સુરક્ષિત કરવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાની જરૂરિયાતને કારણે આજે વિશ્વને પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આપણે જાણીએ છીએ કે, પરિવર્તન સાથે સંકળાયેલા પડકારોનો સામનો કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે બિનપરંપરાગત ઊર્જાનો ઉપયોગ કરવો. શહેરીકરણની સાથે પ્રદુષણની સમસ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે આગામી પેઢીને શુદ્ધ વાતાવરણ આપવાની આપણી પ્રતિબદ્ધતતાને પૂર્ણ કરવા માટે રાજ્ય સરકારે કાર્બન ઉત્સર્જન ઘટાડવા પર ભાર મૂક્યો છે. વેસ્ટ ટુ એનર્જી ટેક્નોલોજીના માધ્યમથી શહેરી વિસ્તારોના કચરાના નિકાલ કરવાનો રાજ્ય સરકારે નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે વેસ્ટ ટુ એનર્જી પોલિસી અમલી બનાવી છે.
રાજ્ય સરકારે અમલી બનાવેલી વેસ્ટ ટુ એનર્જી પોલિસી હેઠળ શહેરી વિસ્તારોમાં વિવિધ પ્રકારની કામગીરી માટે જોગવાઈ કરવામાં આવી છે. આ પોલિસી હેઠળ વિકસિત બનનારા વિવિધ પ્રોજેક્ટ્સ માટે રાજ્ય સરકારે સિંગલ વિન્ડો સિસ્ટમ લાગુ કરી છે. જેથી પ્રોજેક્ટ શરૂ કરવામાં સમય અને શક્તિ ઓછી વ્યય થાય. ગુજરાત સરકારે વેસ્ટ ટુ એનર્જીને અમલી બનાવવાના સકારાત્મક પરિણામો પ્રાપ્ત થયા છે. અમદાવાદ શહેરમાં પીરાણા નજીક આવેલા કચરાને ઢગલાંને દૂર કરવો એક સમસ્યા હતી. રાજ્ય સરકારે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને પીરાણાના કચરાના ઢગલાને દૂર કરવાનો પ્રારંભ કર્યો છે. અમદાવાદ શહેરની પીરાણા ડમ્પ સાઈટ પર ઘન કચરાનું પ્રમાણ આશરે કુલ ૧૨૫ લાખ મેટ્રીક ટનથી વધુ હતું. પીરાણા ડમ્પ સાઇટની કુલ ૬૦ એકર જમીન ઉપર નારોલ વિશાલા હાઇવેને અડીને બે કચરાનાં મોટાં ઢગલાઓ છે. જેમનો એક નારોલ-સરખેજ હાઈવે તરફનો અજમેરી ડમ્પ અને બીજો એક્સેલ પ્રોસેસીંગ પ્લાન્ટની પાછળની બાજુ પર આવેલો હાઈડમ્પ છે.
પીરાણા ડમ્પસાઇટની કાયાપલટ કરવાના લક્ષ્યાંક સાથે જાન્યુઆરી ૨૦૧૯થી પિરાણા ખાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે બાયોમાઈનીંગની શરૂઆત કરવામાં આવી હતી. હાલમાં આ પ્રોજેક્ટ અંતર્ગત પિરાણા પર ૬૦ નંગ ૩૦૦ મે. ટન ટ્રોમેલ મશીન તથા ૧૦ નંગ ૧,૦૦૦ મે.ટન ઓટોમેટેડ સેગ્રીગેશન મોબાઇલ ટ્રોમેલ મશીન કાર્યરત છે. પ્રોજેક્ટ હેઠળ ચાલતી સઘન કામગીરી દ્વારા હાલમાં દૈનિક ધોરણે ૩૫,૦૦૦–૪૦,૦૦૦ મે.ટન લિગસી વેસ્ટ પ્રોસેસ કરવામાં આવે છે. જેના ભાગરૂપે અત્યાર સુધીમાં ૧૦૩ લાખ મેટ્રીક ટન જેટલો કચરો સાફ કરી અંદાજે ૩૫ એકર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી છે. લિગસી વેસ્ટમાંથી વિભાજિત માટી અને ઈનર્ટનો શહેરનાં વિવિધ વિકાસ કાર્યોમાં ઉપયોગ કરવામાં આવે છે.
અમદાવાદ કોર્પોરેશન દ્વારા પીરાણા બાયોમાઈનીંગમાંથી નીકળતાં આર.ડી.એફ.ના પ્રોસેસીંગ માટે છ એકર જગ્યા ફાળવવામાં આવી છે. જ્યાંથી દૈનિક ધોરણે ૩,૦૦૦ મે.ટન બાયોમાઈનીંગમાંથી નીકળતા આર.ડી.એફ.નું પ્રોસેસીંગ કરી સીમેન્ટ ઈન્ડસ્ટ્રીને કોફાયરીંગ તરીકે વાપરવા માટે સપ્લાય કરવામાં આવે છે. પીરાણા બાયોમાઈનીંગમાંથી નીકળતા ઈનર્ટ મટીરીયલને ધોલેરા એક્સપ્રેસ હાઈવે બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં ૧૪.૫ લાખ કરતાં વધુ મે. ટન ઈનર્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કચરો દૂર થતાં શહેરની પર્યાવરણની સ્થિતિ સુધરવાની સાથે ત્યાં વૃક્ષારોપણ થયા બાદ આ જગ્યાએ ઓક્સિજન ઉત્સર્જન કરતું શહેરનું મહત્વનું સ્થળ બની રહેશે. તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રત્યેક વાઈબ્રન્ટ ગુજરાતની પરિકલ્પનામાં પર્યાવરણની સ્થિતિ સુધારવા ઉપર વિશેષ ભાર મુક્યો છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના મૃદુ અને મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતના દરેક શહેરો અને નગરો આ દિશામાં આગળ વધી રહ્યાં છે.
*File Photo