રાજ્યમાં આવી રહ્યાં છે 7 ડીપ-સી પાઈપ લાઇન પ્રોજેક્ટ, જાણો ક્યાં પહોંચી છે કામગીરી અને થશે કેટલો ખર્ચ
સ્થાનિક ઉદ્યોગો અને રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ અને વડોદરા પ્રોજ્ક્ટ્સ માટે 30:70, જ્યારે બાકીના 5 પ્રોજેક્ટ માટે 20:80ના રેશિયોમાં પ્રોજેક્ટ્સનો ખર્ચ વહન કરવામાં આવશે
ગાંધીનગરઃ ઔદ્યોગિક એકમો દ્વારા ડીપ-સી પ્રોજેક્ટ્સને લઇને અનેક વાર સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે, જોકે હવે રાજ્યમાં અમદાવાદ, વડોદરા સહિત 7 ડીપ-સી પ્રોજેક્ટ્સ આવી રહ્યાં છે. ડીપ-સી પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ, સુરત, અંકલેશ્વર-ઝગડિયા, વાપી, જેતપુર, વડોદરા અને સરીગામના ઔદ્યોગિક વિસ્તારમાં પાઈપલાઇન નાંખવામાં આવનાર છે, તેમ શુક્રવારે વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા ઉદ્યોગ મંત્રીને પુછવામાં આવેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવવામાં આવ્યું હતુ.
ટ્રીટ કરાયા બાદ ઔદ્યોગિક એકમો દ્વારા ગંદકીનો નિકાલ કરી શકાય તે માટે ડીપ-સી પ્રોજેક્ટની ભલામણ કરવામાં આવી હતી. આ દિશામાં શુક્રવારે રાજ્ય સરકારે વિધાનસભામાં લેખિત જવાબ આપતા જણાવ્યું હતુ કે સમગ્ર ગુજરાતમાં 7 ઔદ્યોગિક ક્લસ્ટરમાં આ પ્રોજેક્ટ વિવિધ તબક્કામાં છે. જેમાંથી સરીગામ ખાતેનો પ્રોજેક્ટ તડ્ગામ નજીક પાઈપલાઇન દ્વારા ઉંડા દરિયામાં છોડવા માટેનો છે, જેનો અંદાજિત કુલ ખર્ચ 187.50 કરોડ રૂપિયા છે. જ્યારે વાપી ખાતે એનઆઇઓ દ્વારા સુચિત ડિસ્પોઝેબલ પોઈન્ટ સુધીની ઉંડા દરિયામાં પાઇપલાઇન નાખવાનો પ્રોજેક્ટ છે, જેને અંદાજિત ખર્ચ 1012.05 કરોડ રૂપિયા છે. તો અંકલેશ્વર તથા ઝગડિયા ખાતે પાઈપલાઈન દ્વારા ખંભાતના અખાતમાં કાંટિળાજળ પાસે ઉંડા દરિયામાં છોડવામાં આવશે, જેનો અંદાજિત ખર્ચ 276.05 કરોડ રૂપિયા છે.
તો સુરતની વાત કરીએ તો સુરત પુર્વ સ્થિત પલસાણા તથા કડોદરા અને પશ્ચિમ સ્થિત સચિન તથા પાંડસરા ખાતે એનઆઇઓ દ્વારા સુચિત ડિસ્પોઝેબલ પોઇન્ટ સુધી ઉંડા દરિયામાં છોડવા માટે પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ છે, જેનો અંદાજિત ખર્ચ 4841.85 કરોડ રૂપિયા છે. જ્યારે સૌરાષ્ટ્રની એકમાત્ર ઔદ્યોગિક વસાહત જેતપુર ખાતેના ઔદ્યોગિક એકમોથી પોરબંદર (નવી બંદર) સુધીની ડીપ-સી ડિસ્ચાર્જ પાઈપલાઈનની કામગીરીમાં 10 વર્ષની મરામત અને નિભાવણી સહિત અંદાજિત રૂ.675 કરોડનો ખર્ચ થનાર છે.
અમદાવાદની વાત કરીએ તો જરૂરી અમલીકરણની કામગીરી જીઆઈડીસી દ્વારા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેનો વહીવટી મંજુર અનુસાર અંદાજિત ખર્ચ રૂ.1478 કરોડ છે. જ્યારે વડોદરા અન્વાયરો ચેનલ લિમિટેડ દ્વારા એફઇટીપીની કામગીરી પુર્ણ થયા પછી જીડબ્લ્યુઆઇએલ દ્વારા વિગતવાર અમલીકરણ હાથ ધરવામાં આવી છે, જેનો વહીવટી મંજુર અનુસાર અંદાજિત ખર્ચ રૂ.128 કરોડ થનાર છે.
ઉપરોક્ત પ્રશ્નના પેટાપ્રશ્નમાં રાજ્ય સરકાર અને ઔદ્યોગિક એકમોનો ઉપરોક્ત ખર્ચમાં કેટલો હિસ્સો છે તેમ પુછવામાં આવ્યું હતુ, જેના લેખિત જવાબમાં અમદાવાદ અને વડોદરામાં ઉદ્યોગો દ્વારા 30% અને રાજ્ય સરકાર દ્વારા 70% ખર્ચ ભોગવશે, જ્યારે સરીગામ, વાપી, અંકલેશ્વર-ઝગડિયા, સુરત અને જેતપુરના પ્રોજેક્ટમાં ઉદ્યોગો 20% અને રાજ્ય સરકાર 80% ખર્ચ ભોગવશે.
ડીપ-સીને લઇને ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા વિધાનસભામાં ડીપ-સી પાઇપલાઈન નાખવા અંગે ફિઝિબિલિટી સ્ટડી ક્યારે તૈયાર કરવામાં આવેલ તેવો પ્રશ્ન પુછવામાં આવ્યો હતો, જેના લેખિત જવાબમાં 31 જુલાઈ, 2023ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં અમદાવાદ, વડોદરા અને જેતપુરના ઔદ્યોગિક વિસ્તારના એફલ્યુઅન્ટના નિકાલ માટેની ડીપ-સી ડિસ્ચાર્જ પાઈપ લાઈનની યોજના માટે ફિઝિબિલિટી સ્ટડી રિપોર્ટ પાણી રીપોર્ટ પાણી પુરવઠા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ નથી, જ્યારે સરીગામ, સુરત, અંકલેશ્વર-ઝગડિયા, વાપી ખાતે ડીપ-સી પાઈપ લાઈન નાંખવા અંગે ફિઝિબિલિટી સ્ટડી રીપોર્ટ સંલગ્ન એસપીવી દ્વારા કરવામાં આવેલ છે, તેમ જણાવવામાં આવ્યું છે.
ધારાસભ્ય કિરીટસિંહ પટેલ દ્વારા ડીપ સી પાઈપલાઈન અંગેના સમાન પ્રશ્નના અન્ય એક લેખિત જવાબમાં, સરકારે સ્વીકાર્યું હતું કે તેણે અમદાવાદ, વડોદરા અને જેતપુરમાં પ્રોજેક્ટ માટે સંભવિતતા અભ્યાસ હાથ ધરવાનો બાકી છે, જ્યારે સરીગામ, સુરત, અંકલેશ્વર-ઝાગડિયા અને વાપીમાં પ્રોજેક્ટ માટે સમાન અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે.
સરકારે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે તેણે વાપી અને સુરત ખાતે કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવા માટે પર્યાવરણ મંજૂરી માટે અરજી કરી છે, જ્યારે સરીગામ અને અંકલેશ્વરમાં પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.