૭૮મુ સ્વાતંત્ર્ય પર્વઃ ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને કચ્છના ગાંધીધામ ખાતે ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી

તિરંગાને સલામી આપીને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવતા ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત
૦૦૦૦
ઉદ્યોગમંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત

અનેક વીરોના બલિદાનથી પ્રાપ્ત થયેલી આઝાદીનું જતન અને સંરક્ષણ કરવું સૌ નાગરિકોની ફરજ

કચ્છના લોકોએ હંમેશા જુસ્સાભેર વાવાઝોડા, ભૂકંપ, દુકાળ જેવી આફતોનો સામનો કર્યો છે

૨૦૦૧ના ભૂકંપ બાદ વડાપ્રધાનના દૂરંદેશી વિચારના પરિણામે કચ્છનો અદ્ભુત અને ઐતિહાસિક વિકાસ થયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં રાજ્ય સરકાર તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસ માટે કટીબદ્ધ

મા નર્મદા”ના પાણી અવતરણથી ખારા અને સૂકા કચ્છપ્રદેશના લોકોના જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તનો આવ્યા છે

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં દેશમાં સામાજિક, આર્થિક, માળખાકીય, નીતિગત સુધારાઓથી “નયા ભારત”ના નિર્માણની ગાથા શરૂ થઈ છે

સાંસ્કૃતિક, ધાર્મિક, પ્રવાસન અને વ્યાપાર કેન્દ્રો ધરાવતા કચ્છની ધરતીમાં ઘણી ઊર્જા અને સાહસ

રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે કચ્છ વિશ્વમાં મુખ્ય કેન્દ્ર બની રહેશે

વિશિષ્ટ કામગીરી કરનારા કર્મયોગીઓ, પ્રાકૃતિક ખેતી‌ કરતા પ્રગતિશીલ ખેડૂતો, રમતવીરોનું ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા સન્માન
૦૦

ભુજ: ઉદ્યોગ, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે કચ્છના ગાંધીધામ શહેરમાં રમતગમત સંકુલ ખાતે તિરંગાને સલામી આપીને ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

 

સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી નિમિત્તે પ્રાસંગિક ઉદ્બોધન કરતા ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, કચ્છ એ પંડિત શ્યામજી કૃષ્ણવર્માની જન્મભૂમિ, ગાંધીજીની સમાધિ અને સરદાર પટેલ સાહેબની યાદો સાથે જોડાયેલો જિલ્લો છે. ગાંધીધામની ધરતી પરથી ભારતની આઝાદીમાં યોગદાન આપનાર તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીને મંત્રીશ્રીએ તેમને શત્ શત્ નમન કર્યા હતા.

મંત્રી બલવંતસિંહ રાજપૂતે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, લોકમાન્ય તિલક, ડૉ. બાબાસાહેબ આંબેડકર, વીર સાવરકર, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, રાજગુરુ, સુખદેવ સહિત આઝાદીના નામી-અનામી શહીદોને વંદન કર્યા હતા. મહામૂલ્ય આઝાદી આપણને પ્રાપ્ત થઈ છે તેનું જતન અને સંરક્ષણ કરવું સૌ નાગરિકો અને દેશવાસીઓની ફરજ છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે કચ્છ જિલ્લાની ખમીરીને બિરદાવી જણાવ્યું હતું કે, કચ્છમાં અત્યારસુધી વાવાઝોડા, દુકાળ અને ભયાનક ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓ આવી છે. કચ્છના લોકોએ હંમેશા જુસ્સાભેર આ આફતોનો સામનો કર્યો છે. મંત્રીશ્રીએ ભૂકંપમાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલી આપીને તેમના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.

કચ્છ જિલ્લાની વિકાસયાત્રાનો શ્રૈય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આપીને મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ૨૦૦૧ના ભૂકંપ બાદ વડાપ્રધાનના દૂરંદેશી વિચારને પરિણામે કચ્છનો અદભૂત અને ઐતિહાસિક વિકાસ થયો. “મા નર્મદા” ના પાણી આવવાથી ખારા અને સૂકા કચ્છપ્રદેશના લોકોના જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તનો આવ્યા અને આ વિસ્તાર હરિયાળો બન્યો છે. રણોત્સવ, પતંગોત્સવ જેવા ઉત્સવો અને કચ્છી મહિલાઓની હસ્તકલાને કારણે પ્રવાસનના હબ તરીકે કચ્છ જિલ્લાને સ્થાન મળ્યું છે.

રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે કચ્છ વિશ્વમાં મુખ્ય કેન્દ્ર બની રહેશે તેમ વિશ્વાસ‌ સાથે મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, સૌથી મોટો ૩o ગીગા વોટનો સોલાર-વિન્ડ એનર્જી પાર્ક કચ્છમાં આકાર લઈ રહ્યો છે. જે સમગ્ર વિશ્વમાં રિન્યુએબલના ક્ષેત્રને એક નવી દિશા આપશે. કંડલા અને મુન્દ્રા બંદરોનો વિકાસ, કચ્છ જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ અને મૂડીરોકાણ, હવાઈમાર્ગે-રેલમાર્ગની સુદ્રઢ કનેક્ટિવિટી, શૈક્ષણિક, સહકારી, આરોગ્ય, પશુપાલન, કૃષિ, આંતરમાળખાકીય સવલતો, પ્રવાસન, ઔદ્યોગિક, રોજગારી અને હસ્તકલા- કારીગરી ક્ષેત્રે થયેલા ઐતિહાસિક કામોનો મંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો હતો. આ વિકાસકામો થકી નાગરિકોના જીવનમાં પરિવર્તન લાવવા સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર કચ્છ અને તમામ કર્મયોગીઓને મંત્રી બલવંતસિંહ રાજપૂતે અભિનંદન આપ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકારે દેશમાં સામાજિક, આર્થિક, માળખાકીય, નીતિગત સુધારાઓ દ્વારા “નયા ભારત”ના નિર્માણની નવી ગાથા શરૂ કરી છે તેમ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું. આઝાદીના અમૃતકાળ” ભારત માટે ક્રાંતિકારી અને પરિવર્તનકારી છે. મંત્રી બલવંતસિંહ રાજપૂતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વડાપ્રધાનની વિઝન હેઠળ ભૂપેન્દ્રભાઈની સરકારે દરેકને પોતાનું ઘર હોય, ઘર સુધી વીજ પુરવઠો હોય, પીવાનું સ્વચ્છ પાણી હોય, શૌચાલય હોય, ઘરમાં ગેસ સિલિન્ડર હોય, ગરીબને અન્ન મફત મળતું હોય, ગામ-શહેર સ્વચ્છ હોય, વ્યક્તિનું બેન્કમાં ખાતુ હોય, યોજનાના નાણાં બેન્ક ખાતામાં આવે અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધા હોય તેમ સુનિશ્ચિત કર્યું છે.

મંત્રી બલવંતસિંહ રાજપૂતે મંચ પરથી સરકારની જનકલ્યાણની પ્રતિબદ્ધતા વિશે જણાવતા કહ્યું કે, આજે ગરીબ, યુવાનો, ખેડૂતો અને નારીશક્તિ સહિત સમાજના તમામ વર્ગો માટે વિવિધ કલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓ અમલમાં છે. ખેડૂતોની આવક બમણી થાય, માલ-સામાનની ઉત્તમ કિંમત મળે તે માટે સરકાર કટિબદ્ધ છે. ખેડૂતોની મહેનતનું પરિણામ એ છે કે, એક સમયે ખાદ્યચીજોની આયાત કરતો ભારત ફૂડ માટે સરપ્લસ દેશ બની ગયો છે. દૂધ, દાળ, મસાલાના સૌથી મોટા ઉત્પાદક તરીકે ભારત ઓળખાય છે. ઓછા પાણીથી ખેતી અને પ્રાકૃતિક ખેતી તરફ પણ આપણે આગળ વધી રહ્યા છીએ. ભારતના ‘મિલેટ’ અભિયાનને વિશ્વએ સ્વીકાર્યું છે.

મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર તમામ ક્ષેત્રો અને તમામ જિલ્લાઓમાં સર્વાંગી વિકાસ માટે કટીબદ્ધ છે. ધાર્મિક સ્થાનોના વિકાસ, સરકારી યોજનાઓનું અમલીકરણ, બિનઅસરકારક કાયદાની નાબૂદી, મહિલા સશક્તિકરણ, રોજગારી સર્જન, સ્કીલ ડેવલપમેન્ટ, મફત આરોગ્ય સુવિધાઓ, નાગરિકોને ઘરના ઘર માટે આર્થિક સહાય, બિઝનેસ ફ્રેન્ડલી પોલીસી, ૫ ટ્રીલીયન ડોલર ઈકોનોમિના લક્ષ્યાંક, વાઈબ્રન્ટ ગુજરાત, માળખાગત સુવિધાઓનો વિકાસ વગેરે આગામી સમયમાં ભારતના વિકાસમાં મહત્વનો ભાગ ભજવશે.

કચ્છના હંમેશા વિકાસથી ધમધમતું રહેશે એવા વિશ્વાસ સાથે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, સાંસ્કૃતિક, ધાર્મિક, પ્રવાસન અને વ્યાપાર કેન્દ્રો ધરાવતા કચ્છની ધરતીમાં ઘણી ઊર્જા અને સાહસ છે. કચ્છની વિકાસની યાત્રા સાથે આપણે “વિકસિત ગુજરાતથી વિકસિત ભારત” બનાવવા કટિબદ્ધ બનીએ તેમ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ઉમેર્યું હતું. કોઈપણ પ્રકારના ભેદભાવ રહિત, સમતોલ વિકાસ સાથેના નયા ભારત, વિશ્વબંધુ ભારતનું નિર્માણ કરવા સૌ કટિબદ્ધ બનીએ એવી અભિલાષા સાથે સૌને નાગરિકોને ઉદ્યોગમંત્રીશ્રીએ સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે મંત્રી બલવંતસિંહ રાજપૂતે પોલીસ વિભાગ દ્વારા આયોજિત પરેડનું નીરિક્ષણ કરીને નાગરિકોને અભિવાદન ઝીલ્યું હતું.‌ આ પ્રસંગે મંત્રી બલવંતસિંહ રાજપૂત સહિત મહાનુભાવોએ જિલ્લાની વિવિધ સ્કૂલના બાળકો દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા. પોલીસ વિભાગ દ્વારા ‘ડૉગ શૉ’ની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ગાંધીધામ તાલુકાના વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક જિલ્લા કલેક્ટરશ્રીને એનાયત કર્યો હતો. વિશિષ્ટ સેવા બદલ કર્મયોગીઓ, આરોગ્ય કર્મચારીઓ, રમતવીરો, પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો અને અંગદાતાઓનું ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના વરદહસ્તે મોમેન્ટો અને પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મંત્રી બલવંતસિંહ રાજપૂત સહિત મહાનુભાવોએ રમતગમત ગ્રાઉન્ડ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.

આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય  માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા, ત્રિકમભાઈ છાંગા, કેશુભાઈ પટેલ, ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ તેજસભાઈ શેઠ, તાલુકા પંચાયતના પ્રમુખ શાંતાબેન બાબરિયા, અગ્રણી ધવલભાઈ શાહ, જિલ્લા કલેક્ટર અમિત અરોરા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યા, મદદનીશ કલેક્ટર સુનિલ,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ, તાલીમી સનદી અધિકારી ઈ. સુસ્મિતા સહિત પદાધિકારીઓ, જિલ્લા અને તાલુકા ઉચ્ચ અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news