સચિન જીઆઈડીસીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગની ઘટનામાં 7 લોકોના કરૂણ મોત, 27 લોકો દાઝી જતા ઈજાગ્રસ્ત
સુરતઃ સચિન જીઆઈડીસીમાં એથર ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં મંગળવારની રાત્રિએ બનેલી બ્લાસ્ટ બાદ આગની દુર્ઘટનામાં સાત લોકોના કરૂણ મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 27 લોકો દાઝી જતા ઈજાગ્રસ્ત થયા છે.
સુરતની સચિન જીઆડીસીમાં આવેલી એથર ઇડસ્ટ્રીઝ લિમિટેડ નામની કેમિકલ કંપનીમાં મંગળવારની રાત્રિએ આશરે દોઢેક વાગ્યાની આસપાસ સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનામાં અનેક લોકો દાઝી જવાથી ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર બિગ્રેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બચાવ તેમજ આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, ઘટનાના 30 કલાક બાદ સાત જેટલા કામદારોના મોત થયાનું સામે આવ્યું છે.
આગ પર કાબૂ મેળવવાની કામગીરીની સાથેસાથે બીજી તરફ દુર્ઘટનામાં લાપતા થયેલા કામદારોને શોધવા માટે પોલીસ એનડીઆરએફ, એફએસએલ દ્વારા શોધ આદરવામાં આવી હતી. જેમાં 7 જેટલા કામદારોના મોત થયા છે. ઘટનાને લઇને જીપીસીબીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.