યુપીના મુરાદાબાદની ઈમારતમાં આગ લાગતા ૫ લોકોના મોત
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક ચાર માળના મકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની ઘટના બની છે. ભીષણ આગમાં પાંચ લોકોના મોત થયા છે. મૃત્યુ પામનારમાં ત્રણ બાળકો પણ સામેલ છે. મૃતકોમાં હલ્દ્વાની અને રાનીખેતની મહિલા અને બાળકો પણ સામેલ છે. આ લોકો લગ્ન સમારોહમાં સામેલ થવા માટે આવ્યા હતા. આસપાસના લોકોએ ફાયર બ્રિગેડની ટીમની મદદથી સાત લોકોના જીવ બચાવી લીધા છે. ઘટનાની માહિતી મળતા જિલ્લાધિકારી અને એસએસપી પહોંચ્યા હતા અને પીડિત પરિવારને દરેક સંભવ મદદ કરવાની ખાતરી આપી છે. ગુરૂવારે રાત્રે આઠ કલાક આસપાસ શોર્ટ સર્કિટને કારણે ઘરમાં નીચે રાખેલા ભંગાડમાં આગ લાગી હતી.
થોડીવારમાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કરતા ચારેય માળને ઝપેટમાં લઈ લીધા હતા. દુર્ઘટનામાં ઇરશાદની પત્ની કમરજહાં, પુત્રવધૂ શમા, પૌત્રી નાફિયા, પૌત્ર ઇબાદ સિવાય ભાણી ઉમેમાનું સળગીને મોત થઈ ગયું છે. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ પહોંચી હતી. સ્થાનીક લોકો અને ફાયરની ટીમની મદદથી સાત લોકોના જીવ બચાવી લેવામાં આવ્યા હતા. માહિતી મળતા જિલ્લાધિકારી શૈલેન્દ્ર કુમાર સિંહ અને એસએસપી હેમંત કુટિયાલ પહોંચ્યા હતા. તેમણે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની સૂચના આપી હતી. આ સાથે પરિવારને દરેક મદદની ખાતરી આપી છે.