ઈરાકમાં રેતના તોફાને ભારે તબાહી મચાવતા ૪ હજાર લોકો હોસ્પિટલમાં દાખલ

ઇરાકમાં ઘણીવાર રેતનું તોફાન આવતું રહે છે અને એ માટે તંત્ર પણ એલર્ટ હોય છે.ઇરાકમાં રેતના તોફાને ભારે તબાહી મચાવી છે. સમગ્ર દેશને જાણે હચમચાવી દીધો છે. સોમવારથી શરૂ થયેલા આ તોફાનથી લોકોને શ્વાસ લેવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે. હજારો લોકોને આ શ્વાસની સમસ્યાને પગલે હોસ્પિટલમાં પણ દાખલ કરાયા છે. ઇરાકમાં એપ્રિલ માસ બાદ આ આઠમી વખત વાવાઝોડાનો કહેર જાેવા મળ્યો છે. મે માસના પ્રારંભે આવેલા રેતીલા તોફાનમાં એક શખ્સનું મોત પણ નીપજ્યું હતું. એવું સામે આવ્યું હતું કે રેતીલા તોફાનને લીધે આ શખ્સને શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી.

રેતીલા આ તોફાનને પગલે ૫ હજાર જેટલા લોકોને શ્વાસની તકલીફ થઇ હતી.

આ પરિસ્થિતિને પગલે અહીંની સ્કૂલો, અરપોર્ટ સહિત ઓફિસો બંધ કરી દેવાઇ હતી. રેતનું તોફાન એટલું ભયંકર હતું કે રાજધાની બગદાદ ધૂળથી જાણે ઢંકાઇ ગયું. રેતના આ તોફાનથી ઇરાકના અન્ય શહેરોમાં પણ ભારે અસર થઇ હતી. દક્ષિણ ઇરાકના શિયા બહુલ નજફ અને ઉત્તરી કુર્દમાં પણ જનજીવન ભારે અસરગ્રસ્ત બન્યું હતું. રેતના આ તોફાનને પગલે અહીંની ઇમારતો, ઘરો અને વાહનો પર ધૂળનું જાણે આવરણ પથરાઇ ગયું હતું. રેતના તોફાનને પગલે જનજીવન અસરગ્રસ્ત થતાં સત્તાધીશોએ રાજધાની બગદાદ સહિત દેશના ૧૮ પ્રાંતમાંથી ૭ માં સરકારી કચેરીઓ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. રેતના તોફાનથી વૃધ્ધ અને અસ્થમાના દર્દીઓની હાલત કફોડી બની હતી. આવા લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફનો અનુભવ થયો હતો.

આ સ્થિતિને જોતાં સરકારે હોસ્પિટલો ચાલુ રાખવાના આદેશ આપ્યા હતા. ઇરાકના આરોગ્ય મંત્રાલયના એક પ્રવક્તા સૈફ અલ બદ્રએ જાણકારી આપતાં કહ્યું કે, ૪ હજાર જેટલા લોકોને વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે અને ઘણા લોકોને આઇસીયૂમાં રાખવામાં આવ્યા છે.