ઘરમાં વિસ્ફોટ થતા ૪ લોકોના દર્દનાક મોત, કેટલાક લોકો કાટમાળ નીચે દબાઈ ગયા, મેરઠની ઘટના

ઉત્તર પ્રદેશના મેરઠના એક ઘરમાં જોરદાર વિસ્ફોટ થયો છે. બ્લાસ્ટને કારણે ઘર બળી ગયુ છે. આ અકસ્માતમાં ૪ લોકોના મોત થયા છે. તેમજ કેટલાક લોકો કાટમાળ નીચે દબાઈ જતાં ઘાયલ થયા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

ડીએમ દીપક મીણાએ જણાવ્યું કે મૃત્યુ પામેલા ચાર લોકો તમામ પુરૂષો છે. તેમની ઓળખ હજુ સુધી થઈ નથી. પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે વેરહાઉસમાં કામ કરતા કામદારો અકસ્માતનો ભોગ બન્યા હતા. વહીવટીતંત્ર તેમના પરિવારજનોને શોધી રહ્યું છે. ટૂંક સમયમાં ઓળખ થઈ જશે. આ ઘટના મંગળવારે સવારે બની હતી..

ડીએમએ કહ્યું કે જે ઘરમાં અકસ્માત થયો ત્યાં સાબુ બનાવવામાં આવી રહ્યો હતો. શક્ય છે કે વિસ્ફોટ કોઈ કેમિકલના કારણે થયો હોય અથવા વેરહાઉસમાં રાખેલા મશીનોમાં કોઈ કારણસર વિસ્ફોટ થયો હોય. આ અકસ્માતમાં નજીકના કેટલાક લોકો પણ ઘાયલ થયા છે, જેમાં કેટલાક રાહદારીઓ પણ સામેલ છે. ઘાયલોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે, જેઓ ખતરાની બહાર છે.

વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો પડઘો દૂર સુધી સંભળાયો હતો. આ દુર્ઘટનાને લઈને એવી પણ ચર્ચા થઈ હતી કે ઘરની અંદર ફટાકડા રાખવામાં આવ્યો હતો અને તેમાં આગ લાગી હતી.. જો કે, ડીએમએ આ આશંકાનો જવાબ આપ્યો અને કહ્યું કે આવી કોઈ વાત નથી. વહીવટીતંત્ર તેના સ્તરે તપાસ કરી રહ્યું છે. અકસ્માતના સાચા કારણો ટૂંક સમયમાં બહાર આવશે. અકસ્માતની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જિલ્લા અધિકારી દીપક મીના, એસપી રોહિત સજવાન પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એક અધિકારીએ જણાવ્યું કે ઘરના માલિકની ઓળખ થઈ ગઈ છે. તેનો સંપર્ક કરવાના પ્રયાસો ચાલુ છે. તે જ સમયે, આ દુર્ઘટનામાં નજીકના મકાનોને પણ થોડું નુકસાન થયું છે.