સુરતઃ મોટા બોરસરા જીઆઈડીસીમાં ઝેરી ગેસ ગળતરથી 4 લોકોના મોત, સાબુની આડમાં કેમિકલની ફેક્ટરી ચલાવતા હોવાનો મૃતકના ભાઈનો સીધો આક્ષેપ
સુરતઃ સુરતના માંગરોળના મોટા બોરસરા ગામથી એક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યાં છે. મોટા બોરાસરા નજીક આવેલી જીઆઈડીસીમાં આવેલી નિલમ ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ ગળતરથી ચાર લોકોના ગૂંગળાઈ જવાથી મોત થતા ચકચાર મચી જવા પામી છે.
વિગત પ્રમાણે નિલમ ઇન્ડસ્ટ્રીઝમાં કેમિકલ ભરેલું એક બંધ ડ્રમ ખોલતા તેમાંથી ઝેરી ગેસ ગળતર થવાની ઘટના બનવા પામી હતી. ઝેરી ગેસ ગળતર થતા ચાર કામદારોના શ્વાસ રૂંધાવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ કરાતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ તમામ મૃતકોના મૃતદેહોને કીમની સાધના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે.
આ હતભાગી મૃતકોમાં બે અંકલેશ્વરના, એક કાપોદ્રાના અને એક રાજસ્થાનનો હોવાનો ખુલાસો થયો છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ ટીમે સઘન તપાસ હાથ ધરી છે અને ઘટનાને પગલે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
ઝેરી ગેસ ગળતરથી ગૂંગળાઈને મૃત્યુ પામેલા ચાર મૃતકોમાં ઇમ્તિયાઝ અબ્દુલ શેખ – ઉંમર 45 વર્ષ, અમીન મોહંમદ પટેલ- ઉંમર 22 વર્ષ, અરૂણ છનાભાઈ વસાવા – ઉંમર 25 વર્ષ અને રઘાજી- ઉંમર 54 વર્ષના હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. આ તમામ કેમિકલનું બંધ ડ્રમ ખોલતા તેમાંથી ઝેરી ગેસ વછુટતા ગૂંગળાઈ જતા બેભાન થઈ ગયા હતા, જેઓને કિમની સાધના હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તમામને મૃત જાહેર કર્યાં હતા.
ઘટનામાં મૃત્યુ પામેલી એક મૃતક કામદારના ભાઈના જણાવ્યા મુજબ કેમિકલ વેસ્ટ ઉઠાવતા સમયે ડ્રમ બ્લાસ્ટ થયો હતો. જેમા તેમના ભાઈનું ગૂંગળાઈ જવાથી મોત થયુ છે. તેમના જણાવ્યા મુજબ અગાઉ પણ નવસારીમાં આ પ્રકારે કેમિકલ બ્લાસ્ટ થયો હતો. કેમિકલ બ્લાસ્ટ થતા ચાર લોકોના મોત થયા છે. મૃતક છેલ્લા ૧૦ વર્ષથી નીલમ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા હતા. મૃતકના ભાઈનો આરોપ છે કે કંપનીવાળા સાબુની ફેક્ટરીના નામે ફેક્ટરી ચલાવે છે અને કેસ રફેદફે કરવાની ફિરાકમાં છે. જો કે સાબુની આડમાં કેમિકલની ફેક્ટરી ચલાવતા હોવાનો સીધો આક્ષેપ મૃતકના ભાઈએ કર્યો છે. મૃતક કામદારને માત્ર ૧૨ હજાર પગાર હતો. હાલ તેમના મોત બાદ તેમના પરિવારમાં ત્રણ બાળકો અને પત્ની નોંધારા બની ગયા છે. ત્યારે પરિવારે ન્યાયની માગ કરી રહ્યો છે
આ ઘટનામાં સુરત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ ઘટના સ્થળે તપાસ કરી રહી છે. આ ઘટના સ્થળે ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હોવાની આશંકા સેવાઇ રહી છે.
આ ઘટનામાં જીપીસીબીની અંકલેશ્વર – સુરત તથા ગાંધીનગર વડી કચેરી દ્વારા આ અંગે ઇનપુટ મેળવી ઘનિષ્ઠ તપાસ આદરી જવાબદારો વિરુદ્ધ વધુ કડક પગલાં લેવાય તે દિશામાં જોઈન્ટ ઓપરેશન હાથ ધરશે તો, જવાબદારોને ચોક્કસથી ઝડપી શકાશે.