માંડવીમાં ગેરકાયદેસર બાયોડિઝલના જથ્થા સાથે ૩ ઈસ્મો ઝડપાયા

અધિક પોલીસ મહાનિર્દેશક એસપી રાજકુમાર તથા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર તરફથી ગેરકાયદેસર રીતે ચાલતા બાયો ડીઝલના ધંધા પર કાયદેસરની કાર્યવાહીની સુચના મળતા ઇન્ચાર્જ વિભાગીય પોલીસ અધિક્ષક ભાર્ગવ પંડ્યાના માર્ગદર્શન હેઠળ માંડવીના પી.આઈ એચ બી પટેલે અલગ અલગ ટીમ બનાવી બાતમી મેળવી કરંજ ગામે જીઆઇડીસી વિસ્તારમાં આવેલી સિલ્બ લુબ્રિકન્ટ તથા લિવા લુબ્રિકન્ટ નામની ફેકટરીમાં રેડ કરતા વાહનોમાં ડીઝલના પર્યાય તરીકે ઉપયોગમાં લેવાતું ઇંધણ તથા જ્વલનશીલ પેટ્રોલિયમ અને વેસ્ટિજ ઓઇલ બાયોડિઝલનો બિનધિકૃત મોટો જથ્થો મળી આવ્યો હતો.

વાહનોમાં ડીઝલના પર્યાયનું પ્રવાહી ૧૧૨૫૦૦ લીટર (કિંમત ૮૪૩૭૫૦૦ )જ્વલનશીલ પેટ્રોલિયમ ૧,૦૪,૦૦૦ લીટર (જેની કિંમત ૫૨,૦૦,૦૦૦)તથા પ્રવાહીનું વહન કરતા બે ટેન્કરો(જેની કિંમત ત્રીસ લાખ) સહિતની અન્ય સામગ્રી મળી કુલ ૧,૭૭,૧૪,૧૦૦ કિંમતનો મુદ્દામાલ જપ્ત લીધો હતો.

ઉપરાંત અમીન ઈકબાલ (પાલોદ )અસગર અહમદ અબ્દુલ ( મુંબઈ )અવધેશ લાલતા પ્રસાદ (યુપી)ને ઝડપી લીધા હતા જ્યારે ઈકબાલ ઉર્ફે અસલમ તૈલી (પાલોદ)ને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ પીઆઈ એચ. બી. પટેલે હાથ ધરી હતી.માંડવી તાલુકાના કરંજ ગામના જીઆઇડીસી વિસ્તારમાં ચાલતા બાયોડીઝલના બિનઅધિકૃત વેપલાને ઝડપી પાડવામાં માંડવી પોલીસને મોટી સફળતા મળી હતી. પોણા બે કરોડથી વધુનો મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.