રાજકોટમાં ૫ દિવસ પૂર્વે નિરાલી રિસોર્ટ પાછળ લાગેલી આગમાં ૩ના મોત
રાજકોટ શહેરની ભાગોળે વાજડી પાસે નિરાલી રિસોર્ટની પાછળ ઓરડીમાં પાંચ દિવસ પૂર્વે ભભૂકેલી રહસ્યમય આગમાં દાઝેલા ૮ પૈકી ૨ શ્રામિકોના સારવારમાં મોત થયા છે, જયારે હજુ એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આજે વધુ એક વ્યક્તિનું મોત થયું છે. આગ ક્યાં કારણોસર લાગી તે હજુ જાણી શકાયું નથી.
આ વિશે જાણવા મળી રહ્યું છે કે, કાલાવડ રોડ ઉપર નિરાલી રિસોર્ટ પાછળ ઓરડીમાં પાંચ દિવસ પૂર્વે વહેલી સવારે આગ લાગતા વિવિધ હોટલોમાં વેઈટર તરીકે તેમજ ફ્ંકશનમાં કામ કરતા રાજસ્થાનના ડુંગરપુરના હિતેશ તુલસીરામ લબાના ઉ.૨૭, લક્ષ્મણ અંબાલાલ લબાના ઉ.૪૦, દીપક પ્રકાશભાઈ લબાના ઉ.૧૯, ચિરાગ અંબાલાલ લબાના ઉ.૧૮, લોકેશ રાજુભાઈ લબાના ઉ.૨૦, રાજુ કુરીયાજી લબાના ઉ.૫૬, શાંતિલાલ બાવરચંદજી લબાના ઉ.૫૨ અને દેવીલાલ વિક્રમજી લબાના ઉ.૨૨ દાઝી જતા તમામને સારવાર અર્થે સિવિલ હોસ્પીટલે ખસેડાયા હતા. જેમાં શાંતિલાલ લબાના નામના પ્રૌઢને વધુ સારવાર અર્થે રાજસ્થાન ઉદયપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.
પરંતુ સારવારમાં દમ તોડી દીધો હતો જયારે દેવીલાલ લબાના નામના યુવકને રાજકોટની ખાનગી હોસ્પીટલમાં ખસેડાયો હતો પરંતુ તેનું પણ સારવારમાં મોત નીપજ્યું છે હજુ ત્રણ લોકો દાખલ છે જે પૈકી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
બનાવ અંગે તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. પીઆઈ ધોળાએ જણાવ્યું હતું કે, બનાવ શંકાસ્પદ હતો જે તે વખતે આગ ક્યાં કારણોસર લાગી તે જાણી શકાયું ન હતું. જેથી એફ્એસએલની મદદ લેવામાં આવી છે, તેનો રીપોર્ટ આવ્યા બાદ જ આગનું સાચું કારણ જાણી શકાશે. જો કે ભેદી આગનો રીપોર્ટ હજુ આવવાનો બાકી હોય પોલીસે તપાસ યથાવત રાખી છે.