ભોજન, ભજન અને ભક્તિ સાથે જૂનાગઢમાં ૨૩થી ૨૭ નવેમ્બર ગિરનારની લીલી પરિક્રમા
પરીક્રમા દરમિયાન ૨૦૦થી વધુ અન્નક્ષેત્રો, ૧૫૦ સેવા સંસ્થાઓ, ૨૫થી વધુ મેડિકલ કેમ્પની વ્યવસ્થા
૪૦ કિમીની ગિરનારની પરિક્રમા
ગુજરાતમાં ગિરનાર શેત્રુંજી તેમજ પાવાગઢની પરિક્રમાનું ખાસ મહત્વ છે. તેમાં પણ ગિરનારની પરિક્રમાનું ખાસ મહત્વ છે. આ વખતે ગિરનાર પરિક્રમા ૨૩ નવેમ્બર કાર્તિકી એકાદશીથી ૨૭ નવેમ્બર કાર્તિકી પૂનમ સુધી યોજાનાર છે. આ પરિક્રમા કરવા દેશભરમાંથી લાખો યાત્રિકો આવે છે. ત્યારે વહીવટી તંત્ર, પોલીસ, અન્નક્ષેત્રો તેમજ સેવા સંસ્થાઓ દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. સાધુ સંતોના સૂચનોને ધ્યાનમાં લઈ તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવા પ્રશાસન પ્રયત્ન કરી રહ્યું છે. ખાસ કરીને સ્વચ્છતા અને પીવાના પાણીની સમસ્યા હલ કરવાનું તંત્ર માટે કસોટી ભર્યું છે. ગિરનારની પરિક્રમા શરૂ કરતાં યાત્રિકો ૪૦ કિમીની યાત્રા દરમિયાન મુખ્ય ચાર પડાવ ચાર દિવસમાં પાર કરે છે.
૪૦ કિમીની યાત્રા દરમિયાન મુખ્ય ચાર પડાવ
પ્રકૃતિની ગોદમાં ખળખળ કરતા ઝરણાઓ, ઊંચા ઢોળાવો, કપરાં ચઢાણ, ગાઢ જંગલમાં યાત્રિકો ભોજન ભજન અને ભક્તિ કરતાં કુદરતને માણે છે. સૌ પ્રથમ કાર્તિકી એકાદશીએ રાતે બાર વાગ્યે પરિક્રમા રૂટ પરથી પૂજા પ્રાર્થના કરી પરિક્રમા શરૂ કરે છે અને આખી રત ચાલ્યા બાદ પ્રથમ પડાવ જીણાબાવાની મઢી પહોંચે છે. ત્યાં ભોજન, ભજન અને ભક્તિ સાથે રાતવાસો કરી બીજા દિવસે ઇટવાની ઘોડી અને માળવેલાની કપરી ઘોડીનું ચઢાણ કરી માળવેલાની જગ્યામા પહોંચે છે. જે એકદમ ગાઢ જંગલોમાં આવેલ છે. ત્યાં બીજા પડાવનો રાતવાસો કરે છે. ઘણા લોકો અહી રોટલા, ઓળો, ખીચડીનું દેશી સ્વાદિષ્ટ ભોજન બનાવે છે અને ભક્તિ સાથે આનંદ માણે છે. ત્રીજા દિવસે ત્યાંથી આગળ ચાલતાં ચાલતાં સુરજકુંડ, સુખનાળા થઈ બોરદેવી પહોંચે છે. ત્યાં કુદરતી જંગલનો માહોલ અને વન્યજીવોના ખતરા સાથે રાતવાસો કરે છે. આખરે ચોથા દિવસે બોરદેવીથી આગળ ચાલતા ભવનાથ પહુંચે છે અને દામોદરકુંડમાં સ્નાન કરી યાત્રા પૂર્ણ કરે છે.
લીલી પરિક્રમા સદીઓથી ચાલતી પરંપરા
કહેવાય છે લીલી પરિક્રમા સદીઓથી ચાલતી પરંપરા છે. ભગવાન શ્રી કૃષ્ણએ સૌ પ્રથમ વખત ૩૩ કોટી દેવતાઓના વાસ અને હિમાલયના દાદા ગણાતા ગિરનારની પરિક્રમા કરી હતી. જે કોઈ આ પરીક્રમા કરે છે એ સાત જન્મનું પુણ્યનું ભાથું બાંધી લે છે. આ પરીક્રમા દરમિયાન ૨૦૦થી વધુ અન્નક્ષેત્રો, ૧૫૦ સેવા સંસ્થાઓ, ૨૫થી વધુ મેડિકલ કેમ્પ અને આ વખતે ખાસ હાર્ટ એટેકને લઇ એમડી ડોકટર પણ તૈનાત રખાશે. પીવાના પાણીના ૧૫ પોઇન્ટ, લાઈટ અને લોકોની સુરક્ષાને લઇ ૫૦૦થી વધુ પોલીસ કર્મી યાત્રા રૂટ પર તૈનાત રહેશે. આ વર્ષે મોસમ સારી હોય અને કુદરત પણ મહેરબાન હોય તો પંદર લાખ યાત્રિકો કુદરતને માણવા આવે તેવી સંભાવનાને ધ્યાનમાં લઈ એસ ટી તંત્ર, રેલ તંત્ર, તેમજ ટ્રાફિક નિયમન પણ ખાસ સુવિધા ઉપલબ્ધ કરાશે.