વડોદરામાં બોઈલર ફાટતા ૧૪ કામદારો ઈજાગ્રસ્ત થયા

કેન્ટોન લેબોરેટરીઝ કંપની પરિસરમાં કામદારોના રહેવા માટે વસાહત બનાવવામાં આવી હતી. વાસહતની બિલકુલ નજીક જ બોઇલર ફાટ્યું હતું. જેમાં કામદારોના નાના બાળકો સહિત પરિવારજનો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે, આસપાસના ઉદ્યોગો હચમચી ઉઠ્‌યા હતા અને દોઢ કિલોમીટર સુધી બિલ્ડિંગોના કાચ તૂટ્યા હતા અને કંપનીની બાજુમાં આવેલા ઘરની દીવાલો પણ તૂટી ગઇ હતી. પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ફાયર સ્ટેશનના અધિકારી નિકુંજ આઝાદે જણાવ્યું હતું કે, કંપની દ્વારા ગેરકાયદે રીતે બોઇલરની બાજુમાં ઘરો બનાવ્યા છે. ઘરમાં કામદારો અને તેમના પરિવાર રહે છે. બોઇલર વધુ ગરમ થતાં અને પ્રોપર મેઇન્ટેઇન ન થતાં બોઇલર ફાટ્યા હોવાનું અનુમાન છે. કંપનીનું જી.ઈ.બીનું કલેક્શન કાપી નાખવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતાં લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટોળા વિખેર્યા હતા. આ દુર્ઘટનામાં બોઈલર નીચે દબાઇ જતાં એક વ્યક્તિનું મોત થયું છે. બ્લાસ્ટ ?થયેલા બોઇલર નીચે અન્ય કામદારો દબાયેલાની શક્યતા હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા ક્રેન દ્વારા મલબો હટાવી શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ પહેલા પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજિતનગર ખાતે ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીના MPI- ૧ પ્લાન્ટમાં ૧૬ ડિસેમ્બરના રોજ સવારે પ્રચંડ બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. આ ઘટનામાં ૭ લોકોના મોત થયા હતા.

આ ઉપરાંત ૨૦ કામદારો ઇજાગ્રસ્ત થયા હતા. ઘોઘંબાની જીએફએલકંપનીમાં દુર્ઘટનાને પગલે ૧૦ કિલોમીટર વિસ્તારના ગામલોકોમાં ફફડાટ ફેલાયો હતો.વડોદરા શહેરની મકરપુરાની GIDCની કેન્ટોન લેબોરેટરીઝમાં બોઇલર ફાટતા પ્રચંડ બ્લાસ્ટ થયો હતો અને આગ ફાટી નીકળી હતી. જેમાં એક કામદારનું મોત થયું છે. જ્યારે બાળકો સહિત ૧૪ જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા હતા. બ્લાસ્ટને પગલે કંપનીમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. બોઇલર નીચે કામદારો દબાયેલા હોવાની આશંકાને પગલે ફાયર બ્રિગેડે મલબો હટાવવાની કામગીરી શરૂ કરી છે. ઇજાગ્રસ્તોને લઇ જવા એમ્બ્યુલન્સ નહીં પહોંચતા કામદારો સહિત બાળકો જમીન પર પડી રહ્યા હતા.