સુરતની સચિન જીઆઇડીસીમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં 10 મજૂરો દાઝ્યા
સુરતઃ સચિન જીઆડીસી વિસ્તારમાં આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી છે. આ ઘટનામાં 10 જેટલા મજૂરો દાઝ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. ઘટનાને લઇને દોડધામ મચી જવા પામી હતી.
સચિન જીઆઈડીસીમાં આવેલી એથર કંપનીમાં આગ લાગવાની ઘટના બનાવી પામી છે. કંપનીના સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થયા બાદ આગ ફાટી નીકળી હતી. ઘટના સમયે કંપનીમાં કામ કરી રહેલા 10 જેટલા કામદારો દાઝી ગયા છે, જેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સચિન જીઆડીસી સ્થિત આ કંપનીમાં રાત્રિના લગભગ બે કલાકની આસપાસ સ્ટોરેજ ટેંકમાંથી જ્વલનશીલ કેમિકલ લિકેજ થતા વિસ્ફોટ થયો હતે, જે બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો અને ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. દાઝી જવાથી ઈજાગ્રસ્ત થયેલા કારીગરોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.