ચીનના ઝેજિયાંગમાં એક જ દિવસમાં કોરોનાના સામે આવ્યા ૧૦ લાખ કેસ!

ફરી એકવાર ચીનમાં કોરોનાથી હાહાકાર મચ્યો છે. ચીનમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિને કારણે હાલ ચીનમાં અફરાંતફરી મચી છે. ચીનને કારણે દુનિયાના બીજા દેશોમાં પણ કોરોનાનો ફેલાવો થઈ રહ્યો છે. ચીનમાં કોરોના સંક્રમણની સ્થિતિ ભયાનક છે. દેશના વિવિધ ભાગોમાં દરરોજ લાખો લોકો સંક્રમિત થઈ રહ્યા છે. ઝેજિયાંગ પ્રાંતમાં એક દિવસમાં ૧૦ લાખથી વધુ કેસ મળી આવ્યા છે.

ઝેજિયાંગ પ્રાંત ચીનનું મુખ્ય ઉત્પાદન કેન્દ્ર ‘મેન્યુફેક્ચરિંગ હબ’ છે. તે શાંઘાઈ નજીક આવેલું છે. તેની વસ્તી લગભગ ૬.૫ કરોડ છે. તેનું મુખ્ય શહેર, હાંગઝોઉ, ચીનની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની, અલીબાબા ગ્રુપ, તેમજ અન્ય ઘણી ટેક્નોલોજી કંપનીઓનું ઘર છે. એપલ ઉપરાંત, જાપાનીઝ ઓટોમેકર Nidec અને અન્ય ઘણા વિદેશી ઉત્પાદકો પણ અહીં એકમો ધરાવે છે. કોરોનાના કહેરથી આ એકમોની કામગીરી પ્રભાવિત થઈ શકે છે અને વૈશ્વિક ઉત્પાદન અને પુરવઠાને અસર થવાનો ભય છે. નિક્કેઈ એશિયાના રિપોર્ટમાં ઝેજિયાંગમાં કોરોનાની ગંભીર સ્થિતિ વિશે માહિતી આપવામાં આવી છે.

યુકે સ્થિત રિસર્ચ ગ્રૂપ એરફિનિટી દ્વારા બુધવારે જાહેર કરાયેલા એક રિપોર્ટને ટાંકીને નિક્કેઈ એશિયાએ જણાવ્યું હતું કે, ચીનમાં દરરોજના કેસ ઘણા વધારે છે. ઝેજિયાંગમાં કોરોનાના કહેરથી આ વાતની પુષ્ટિ થાય છે. દરમિયાન, સમગ્ર ચીનમાં કોરોનાના નવા કેસ નોંધાયા છે. ગુઆંગડોંગ પ્રાંતના ડોંગગુઆનમાં શુક્રવારે નવા સંક્રમિતોની સંખ્યા અઢીથી ત્રણ લાખ હતી. તે જ સમયે, શેનડોંગ પ્રાંતના કિંગદાઓમાં પાંચ લાખથી વધુ સંક્રમિત મળી આવ્યા હતા. જોકે ચીનની કેન્દ્ર સરકારે સત્તાવાર આંકડા આપવાનું બંધ કરી દીધું છે, પરંતુ પ્રાંતીય સરકારો આંકડાઓ જાહેર કરવાનું ચાલુ રાખે છે. આ દર્શાવે છે કે દેશમાં સ્થિતિ કેટલી બગડી છે. નિક્કેઈ એશિયા અનુસાર, નવા વર્ષના પ્રથમ દિવસે દૈનિક ચેપ ટોચ પર આવી શકે છે. આ આંકડો ૨૦ લાખ કેસ સુધી જઈ શકે છે.