બર્ડ ફ્લૂની દહેશતઃ ડભાસાના તળાવમાં ૨૦ સફેદ કાંકણસાર પક્ષીના મોત

પાદરાના ડભાસા ગામના તળાવમાં બર્ડ ફ્લૂની દહેશત જોવા મળી છે. ડભાસાના તળાવમાં ૨૦ સફેદ કાંકણસાર પક્ષીના મોત થયા છે. પક્ષીઓના સેમ્પલને તપાસ માટે ભોપાલ મોકલવામાં આવ્યા છે. ડભાસાના તળાવમાં એક સાથે ૨૦ પક્ષીઓના મોતની જાણ થતા જ પાદરા વન વિભાગ અને જીવદયા સંસ્થાની ટીમ ઘટનાસ્થળે પહોચી ગઇ હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી. ડભાસાના તળાવના કિનારે ૨૦ પક્ષીઓના મોતની જાણ ગ્રામજનોને થતા ટોળે ટોળા બનાવના સ્થળે દોડી આવ્યા હતા.

વન વિભાગની ટીમ પણ આવી હતી અને તેને પક્ષીઓના મોતનું કારણ જાણવા માટે પક્ષીઓનું પોસ્ટ મોર્ટમ કરવાની સાથે સાથ તેના સેમ્પલને તપાસ માટે ભોપાલ મોકલવાની કામગીરી હાથ ધરી હતી. મહત્વપૂર્ણ છે કે આ પહેલા વડોદરાના સાવલી તાલુકામાં મૃત કાગડામાં બર્ડ ફ્લૂના લક્ષણ મળ્યા હતા.

ગુજરાતમાં જૂનાગઢ,સુરત, વડોદરા અને વલસાડ જિલ્લામાં બર્ડ ફ્લૂની પૃષ્ટી થઇ હતી. આ સિવાય તાપી, કચ્છ, નર્મદા અને મહેસાણામાં પણ પક્ષીઓના મોતના સમાચાર સામે આવ્યા હતા. રાજ્યમાં બર્ડ ફ્લૂ (એવિયન ઈન્ફ્લૂએન્જા)નો પ્રથમ કેસ ૮ જાન્યુઆરીએ સામે આવ્યો, જ્યારે સૌરાષ્ટ્રના જૂનાગઢમાં બે પક્ષીઓના સેમ્પલમાં બર્ડ ફ્લૂની પુષ્ટી થઈ હતી. જે બાદ સુરત જિલ્લાના બારડોલીમાં પણ બર્ડ ફ્લૂની પુષ્ટી થઈ હતી.