હવામાનની આગાહીઃ ૧૫મી પહેલા ચોમાસું ગુજરાતમાં પ્રવેશશે, સૌરાષ્ટ્રમાં સરેરાશ ૩૬ ઇંચ વરસાદ પડશે

વર્ષોથી એ પરંપરા ચાલી આવે છે કે, વાવણી માટે ખેડૂતો ભીમ અગિયારસની રાહ જોતા હોય છે ત્યારે જો અષાઢી બીજના વરસાદ આવે તો લોકો એવું પણ માને છે કે, વરસાદ એક માસ મોડો આવશે. સામે ગ્લોબલ વોર્મિંગના કારણે રાબેતા મુજબ નૈઋત્યનું ચોમાસું જૂન માસમાં બેસતું તે એક માસ મોડું બેસે છે, ત્યારે ફરી આ વર્ષે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ૧૫ જૂન પહેલા બે દિવસ અગાઉ અટેલે ૧૩ જૂનના રોજ ચોમાસું ગુજરાતમાં પ્રવેશશે અને જૂન માસના અંત સુધી વાવણી લાયક એટલે ૪ થી ૫ ઇંચ વરસાદ પડી શકે છે, અને આ વર્ષે સૌરાષ્ટ્રમાં સરેરાશ ૩૬ ઇંચ વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવેલી છે.

જે એવરેજ કરતા ૧ ઇંચ વધુ છે. વધુમાં હિન્દ મહાસાગર પરથી જે પવન આવે છે તે ભેજ સાથેનો હોવાથી તીવ્ર ગતિએ ચોમાસું આગળ વધે છે.સાથોસાથ દર વર્ષે ચોમાસની પેટર્ન અલગ-અલગ હોય છે અને સામે અલ-નીનો અને લા-નીનોની અસર પણ જોવા મળે છે. ત્યારે જો અલ-નીનોની અસર વર્તાઈ તો જે વાદળો બનતા હોય તે બંધાઈ શકે નહિ અને વરસાદ મોડો વરસે, પરંતુ આ વર્ષે દક્ષિણ-પશ્ચિમી પવન વધુ તીવ્ર બનતા વાદળો ઘેરાઈ રહ્યા છે અને સાથે બંધાઈ પણ રહ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર પર અપરએર સાઈક્લોનિક સક્ર્યુલેશન સર્જાશે તો વરસાદ પણ સારો વરસશે. બીજી તરફ બપોર બાદ જે વાદળો ઘેરાશે, તે વરસાદ લાવવામાં ખૂબજ અસરકારક સાબિત થશે. ત્યારે આ વર્ષે આગાહી કરવામાં આવી છે કે, સૌરાષ્ટ્રમાં ૩૬ ઇંચ જેટલો કુલ વરસાદ પડશે. ચોમાસા પૂર્વે જે વરસાદ વરસશે તેનાથી બફારાનું પ્રમાણ સતત વધશે. ગત વર્ષે રાજકોટમાં ૧૨૨૨ મી.મી. વરસાદ એટલે ૪૯ ઇંચ વરસાદ વરસ્યો હતો. ત્યારે આ વર્ષે જે સિસ્ટમ સક્રિય બની છે, તેને જોતા ચોમાસું સામાન્ય રહેશે. રાજકોટમાં વર્ષ ૨૦૧૦માં સર્વાધિક વરસાદ નોંધાયો હતો, જેમાં કુલ ૬૦.૫ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.